
નામ લખે છે ને ભૂંસે છે, એક છબરડાબાજ છોકરી
શું બોલે છે ને ઘૂંટે છે, એક છબરડાબાજ છોકરી
નિજના જાદુથી જ અજાણી, ખુદની ખુશ્બુથી જ અજાણી
અત્તરની શીશી સુંઘે છે, એક છબરડાબાજ છોકરી
એની ભરતી નથી ઉતરતી, એ નૌકામાં નદિયું ભરતી
ક્યાં તરવાનું, ક્યાં ડૂબી ગઇ, એક છબરડાબાજ છોકરી
સહેજ અમસ્તી અડાઇ ગઇ એ, પરસેવાથી ન્હવાઇ ગઇ એ
આખ્ખો દિ દર્પણ લૂછે છે, એક છબરડાબાજ છોકરી
એ પુસ્તકમાં છુપાઈ ગઈ છે, ગઝલો થઇને છપાઈ ગઈ છે
ક્યાં ખોવાણી, ક્યાં ઢૂંઢે છે, એક છબરડાબાજ છોકરી..
~ રિષભ મહેતા
‘છબરડા’ શબ્દ વાંચ્યા પછી ગંભીર કેમ થવું ? અને એમાંય અહીં છબરડા વાળનાર છે છોકરી. એટલે મહામુશ્કેલી ! આમ તો ‘છાપાના છબરડા’ શબ્દ બહુ જાણીતો છે, જેમાં હોય ગડબડ અને ભૂલોના ભમરડા ! પણ અહીં વાત કંઈક જુદી છે. કવિ, સ્વરકાર અને ગાયક રિષભ મહેતાએ એક અલ્લડ, મસ્તીખોર, શરારતી છોકરીના છબરડા કવિતાની છાબમાં ફૂલોની જેમ ભર્યા છે, વાંચતાં જ મઘમઘ થઈ જવાય.
’છબરડાબાજ છોકરી’ જેવો યુનિક કાફિયા લઈને આવેલી આ ગઝલમાં છોકરી છુપાયેલી રહે છે ને એના તોફાન છલકાય છે. એક એક શેરમાંથી ચિર સનાતન છમ્મલીલી વાત લહેરાય છે. પહેલી નજરે આ ગઝલ પ્રેમની લાગે પણ આ તો એ પહેલાંનાં તોફાનની છે. વરસાદ આવે પણ ખરો કે વાદળો ખેંચાઈ પણ જાય ! પવન ઉપડે અને ડાળ-પાંદડા લહેરાઈ ઊઠે, ઝૂમી ઊઠે એવી આ ઘટના છે. સરળ શબ્દો અને લયમાં રૂમઝૂમતી આ ગઝલ ગાવાનું મન થાય.

મનમાં મસ્તીખોર કન્યાનું સરસ શબ્દચિત્ર ઊભું થાય છે. બઢીયા હૈ.
વાહ છબરડાં બાજ છોકરી
..સ…રસ ગઝલ છે….
અભિનંદન.
છબરડા બાજ છોકરી સરસ કવિતા કવિ તો કવિતા ને ધારે તે પ્રમાણે લાડ લડાવી શકે આભાર લતાબેન
Nijna જાદુથી અજાણી….વાહ વાહ
છબરડા કરતી છોકરીનું સુંદર ચિત્ર ઊપસી આવ્યું મનમાં.