રીના બદિયાણી માણેક ~ દરેક ટકોરે

બારણાં પરના દરેક ટકોરે ~ રીના બદિયાણી માણેક

બારણાં પરના દરેક ટકોરે

ધડકવા લાગે છે હૃદય

ભરડો લે છે કોઈ અજાણ્યો ભય

વધુ ઘેરી થાય છે એકલતા…

થાય છે, જાણે ક્યાંક

ચણાતી જાય છે ઈંટ પર ઈંટ…

ન કોઈ દરવાજો, ન ટકોરા

ને તોય પ્રતીક્ષા

કોઈ આવે અને તોડી નાખે

આ પાંચમી દીવાલ…..

રીના બદિયાણી માણેક

એકલતાનો અજગર ભરડો લે ત્યારે પિસાઈ જવાય, રહેંસાઈ જવાય. શૂન્ય હવામાં ચિત્કારો અને આહો એટલા ઘૂંટાય કે કાનમાં બહેરાશ લાવી દે. વાતાવરણના એક એક કણમાં પીડા છવાઈ જાય. એકલતા શાને લીધે છે, કોના વગર છે, ક્યારથી છે, કેમ છે વગેરે પ્રશ્નો અર્થહીન છે. આ ભાવની ભીંસ એટલી જબરદસ્ત હોય છે કે જન્મ્યા ત્યારથી પડેલા દુખોનો સરવાળો કરીએ તો પણ વધી જાય એવું બને !

બારણાં પરના ટકોરાથી વાત શરૂ કરીને પહોંચે છે કશું ન હોવા સુધી. હવાની જ દીવાલો અને એમાં જ ચણાતી જાય છે ઈંટ પર ઈંટ. દરવાજો અદૃશ્ય છે ને ટકોરા શ્રાવ્ય નથી પણ સરવાળે ભણકારા અસહ્ય છે. બધું મળીને છાતી પર પહાડ ખડકતા જાય છે. વિહવળતા એની અંતિમ સીમાએ પહોંચે ત્યારે મનની સ્થિતિ ભયંકર બની જાય છે. શબ્દ વગરનો શોર પોતાને જ ફાડીને લીરેલીરા કરી નાખે છે. અવાજ વગરના હથોડા એના પોતાના જ કટકે કટકા કરી નાખે છે.

સરળ શબ્દોમાં કવયિત્રીનું આ અછાંદસ કાવ્ય એક લયમાં વહે છે. એના બેય કિનારા પરના જળ દેખીતી રીતે શાંત પણ અંદર ડૂબકી લગાવો તો આકાશી ઉલ્કાપાત અનુભવી શકાય. અદૃશ્ય એવી પાંચમી દીવાલ તોડી નાખવાની વ્યાકુળતા કવિતાને કાવ્યત્વ બક્ષી જાય છે.

OP 30.3.22

સાજ મેવાડા

30-03-2022

લતાજીએ ખૂબ સરસ આ કાવ્ય વિષે કહી દીધું છે, વધારે શું કહેવું?

છબીલભાઈ ત્રિવેદી

30-03-2022

રિના બાદયાની માણેક નુઅછાંદસ કાવ્ય ખુબજ સરસ કવિયત્રી અે પોતાના ભાવો બખુબી રજુ કર્યા છે અને આજ છે કવિ ઓની કમાલ ખુબ સરસ મજાનું કાવ્ય ખુબ ખુબ અભિનંદન

રેખાબેન ભટ્ટ

30-03-2022

પાંચમી દિવાલ તોડવાની વાત…. ગમી ગઝલ રીનાબેન ની … 👍

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top