લક્ષ્મીનારાયણ મો. પંડ્યા ~ પ્રસાદ પાડોશીની * Laxminarayan Pandya

પ્રસાદ વહેંચો

પ્રસાદ પાડોશીની પુત્રી લાવી,
“શાનો છ્?” કીધું: ‘ઉપવાસ છોડ્યા,
પૂર્ણાહુતિ થૈ વ્રતની અમારા,
આવી છું તેનો પરસાદ દેવા.’
માથે ચડાવી, અડકાડી આંખે,
શ્રદ્ધા અને ભક્તિ ભરેલ હૈયે,
મોંમાં મૂક્યો મેં હરિને સ્મરીને
અને ઊઠ્યા અંતરમાં વિચારો.
યાત્રા કરે માનવ કષ્ટ વેઠી,
કરે તપસ્યા, વ્રત, યજ્ઞ, ત્યાગ,
ઉપાસના કે ઉપવાસ આદરે:
સહે બધું એકલપંડ પોતે.
પરંતુ પૂર્ણાહુતિ થાય ત્યારે
પ્રસાદ વહેંચે જઈ ઘેરઘેર.
કર્તવ્ય—દીક્ષા સમ જિંદગી આ,
યાત્રા ગણો, યજ્ઞ ’થવા તપસ્યા,
હોમાવું પંડે હસતે મુખે ને
સૌ વેદનાનાં વખ ઘોળી પીવાં.

ના ભાગ લેવા
એ સાધનામાં
દેવો બીજાને:
સહવું જ જાતે.
પરંતુ જો જીવન—સાધનાની,
પૂર્ણાહુતિ મંગલ થાય કો દી
ને ઊતરે ઈશ્વરનો અનુગ્રહ,
પ્રસાદ વહેંચો જઈ ઘેરઘેર

~ લક્ષ્મીનારાયણ મો. પંડ્યા (જ. 5.12.1908)

જન્મદિવસે કવિને સ્મૃતિવંદના

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

1 thought on “લક્ષ્મીનારાયણ મો. પંડ્યા ~ પ્રસાદ પાડોશીની * Laxminarayan Pandya”

Scroll to Top