લક્ષ્મીનારાયણ મો. પંડ્યા ~ છુપાવવું ને તેય * Laxminarayan M Pandya

છુપાવવું ને તેય માથી ક્યાં સુધી?

 પ્રાણનો પુદ્ગલ બન્યો જે પિંડથી,

મા, કહું કે ના કહું? દિલને દ્વિધા  વીંધતી,

પણ સ્થાન તારા વિણ બીજું ક્યાં

ઠાલવું જ્યાં  વ્યથા?

મા, તેં  દીધો વારસો માતૃત્વના ને સ્ત્રીત્વનો,

આજે પુકારે પ્રેમને પંથે પરાધીન  થવા.

સૂતેલ શમણાં સ્નેહ કેરાં સળવળે ને સાદ દે.

કોઈ અજાણ્યા ઉરનાં આમંત્રણો આકર્ષતાં,

પણ તાર તારા વ્હાલના વીંટળાયલા વાત્સલ્યથી.

સંસાર મીઠો માંડવા માડી પડે  તોડવા.

બે પાસનું ખેંચાણ: જ્યાં કંઈ ખોઈને કંઈ પામીએ;

પહેલું પગથિયું છોડીએ ત્યારે  બીજે પ્હોંચીએ.

છે રજા તારી? તને મજુર છે? જાણું નહિ.

ને કહું? શરમાઉં, પૂછું? કયાંક તું રોકે રખે!

મનનો મળ્યો માનેલ ત્યાં રોકાઉં શેં ને ક્યાં સુધી?

પ્રેમ-પરવશતા પિછાની ના શકે મા, પુત્રીની?

છોને પરાયી હું બનું, તારી મટી જાતી નથી,

તું યે પિયરથી એક દી આવી હતી ને સાસરે.

છોડું તને હું તે છતાં વાત્સલ્ય તુજ વાગોળતી

પ્રત્યેક પળ તારી છબી નિરખું છૂપી હૈયા મહીં,

ઉપકાર તારા, ઋણ તારું શી રીતે ફેડી શકું?

આશિષ દે, દીધેલ તે શિક્ષા હવે સાર્થક કરું,

હું બનું આદર્શ ગૃહરાજ્ઞી દિપાવું નામ તુજ,

તારી સ્મૃતિ, દૃષ્ટાન્ત તુજ ઊજાળશે મુજ પંથને.

યાચું ક્ષમા, આપીશને? દોષો જજે મારા ભૂલી,

આખરે છે માત તું ને હું છુ પુત્રી તાહરી.

~ લક્ષ્મીનારાયણ મો. પંડ્યા (5.12.1908-)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

1 thought on “લક્ષ્મીનારાયણ મો. પંડ્યા ~ છુપાવવું ને તેય * Laxminarayan M Pandya”

Scroll to Top