અરધું આકાશ ~ લતા હિરાણી
અરધું આકાશ ક્યાંક ઝૂરે છે એકલું ને અરધું છે છાતીની અંદર
ટેરવાના કાનમાં સરવા થયા છે જો ને સૂરોના સાતે સમંદર
મારા સૂરોના સાતે સમંદર…..
પંખીની પીઠ પર બેસીને જાય એ વહેતી હવાને કોઈ રોકો
ટહુકાને કાનમાં કેદ કરી રાખે છે પથ્થરીયા ગામના લોકો
રંગો ને પીંછી લઇ અરધા ઢોળાયા ને અરધા છે કાગળની અંદર
મારા સૂરોના સાતે સમંદર….
દિવસને કાંઠડે ઘેઘૂરા જંગલમાં ઝંખનાના ઝાડ કેમ કાપો ?
અંધારા પ્રસરીને ગૂંજે એની પહેલાં માયાનો મંતર આલાપો
યાદોના પૂર જો અરધા ઝીલાયા ને અરધા વહે છે મારી અંદર
મારા સૂરોના સાતે સમંદર….
પાછો જીવ પછડાયો, પાતાળે પહોંચ્યો જો, આંસુના ટીપાં શણગારો
ભીંત પર ટાંગી ‘તી હળવી શી હાશને ફરી તમે ફૂંકથી ઉડાડો
શબ્દોની જાતરા અડધી ખેડાણી ને અડધી ઢબૂરી છે અંદર…
મારા સુરોના સાતે સમંદર…
~ લતા હિરાણી
પ્રકાશિત > શબ્દ સૃષ્ટિ > સપ્ટેમ્બર 2018
OP 22.2.22
કુસુમ કુંડારિયા
01-03-2022
વાહ….. અડધું આકાશ..ખૂબ સરસ ગીત
આભાર
01-03-2022
આભાર છબીલભાઈ, મેવાડાજી અને વારિજભાઈ
‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો આભાર.
વારિજ લુહાર
23-02-2022
અર્ધું આકાશ.. સુંદર ગીત
સાજ મેવાડા
22-02-2022
વાહ, ખૂબજ સુંદર ગીત, “શબ્દોની જાતરા અડધી ખેડાણી ને અડધી ઢબૂરી છે અંદર…”
છબીલભાઈ ત્રિવેદી
22-02-2022
આપનુ કાવ્ય અરધુ આકાશ ખુબ હ્રદયસ્પર્શી રહ્યુ. એક એક પંક્તિ ખુબ માણવા લાયક અને ઉંડાણવાળી રચના ખુબ ખુબ અભિનંદન લતાબેન
