
હિંચકો ~ લતા હિરાણી
હિંચકો ….. હિંચકો….
એની પિત્તળની સાંકળ
કાનમાં અજવાળું ભરી દેતી,
એમાં બાંધેલી ઝીણી ઘંટડી
રણકતી રહેતી ઝરણાંની જેમ….
એની લાં…..બી ઝૂલમાં
સંધાઈ જતું સઘળું…
એક સૂરમાં પરોવાઈ જતા
બારણાંનો આવકાર,
બેઠકની હાશ,
બાલ્કનીમાં ચણતાં પોપટનો કિલકાર
ને વઘારની સુગંધ પણ…..
રિનોવેશને પામ્યાં પાર્ટીશન
ઘણાં સુંદર, ઘણાં સુશોભિત
પણ રહે ત્યાંના ત્યાં જ
ન ખસે, ન ઝૂલે
ન હાવ, ન ભાવ
ચહેરો સ્થિર, નજર સ્થિર
ને એથી બનેલાં
રૂમનાં ત્રણ ચોસલાં સ્થિર
હવે હવા હલતી નથી
કશું આવતું નથી, જતું નથી.
પોપટ ઊડી ગયાં છે
ને અંદરના એક ખૂણે
આગળ-પાછળ આથડયા કરે
હું ને મારી સાંકળ…..
~ લતા હિરાણી
પ્રકાશિત > લેખિની > 1-2023

વાહ…હું ને મારી સાંકળ..
સરસ અભિવ્યક્તિ.
વાહ ખુબ સરસ રચના ખુબ ગમી અભિનંદન
એક હિંચકો, પ્રતિક, વિષાદની સરસ અભિવ્યક્તિ.
ખૂબ સરસ રચના
આ હીંચકે ઝૂલવું ગમે
ખૂબ સરસ રચના
મને ખૂબ ગમતો હીંચકો તાદ્રશ્ય થયો….
તનસુખભાઇ, હરીશભાઈ, પરમભાઇ, મેવાડાજી, છબીલભાઈ, ઉમેશભાઈ અને ‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌનો ખૂબ ખૂબ આભાર. મળતા રહો.
~ લતા હિરાણી
વાહ વાહ હિચકે ઝુલવાની વાત અને જીવન સાથે વર્ણવાની વાત ખૂબ ગમી અભિનંદન લતાબેન
આભાર દિલીપભાઈ