લતા હિરાણી : મારી પ્રિય કવિતા – ડો. સુમન શાહે કરાવેલ આસ્વાદ સહિત * Lata Hirani

🌸

સાવ કોરો કાગળ જોઈએ મારે
ને એમાં મારું સ્થાન
ને મારી દિશા
હું જ નક્કી કરું.

લીટીઓ દોરી આપે કોઈ
મારા રસ્તાની
એ વાત મને મૂળે જ અસ્વીકાર્ય

મારા શબ્દોને
કોઈ કહે એમ ખસવાનું
એટલું જ ચડવાનું કે ઉતરવાનું
મને મંજૂર નથી

એક પણ અક્ષર સીધી લીટી જેવો નથી
એક એક અક્ષર નોખો
એક એક માનવી અનોખો
પર્વત, શિખર, નદી, ઝરણાં, તરણાં
ઈશ્વરે એને ક્યાંય લીટીઓથી બાંધ્યા નથી

હું એટલે
મારામાં વહેતું ઝરણું
મારામાં ઉગતું તરણું
ને એમાંથી પ્રગટતા શબ્દો…

~ લતા હિરાણી 

આ કાવ્ય માટે વિદ્વાન સાહિત્યકાર શ્રી સુમન શાહની તન્ત્રીનોંધ : (સાહિત્યિક સંરસન 3)

૧ : સાવ કોરો કાગળ જોઇએ મારે –

કાવ્યકથકે વાત કોરા કાગળની માંડી પણ તેમાં એણે પોતાના સ્થાન અને પોતાની દિશા પોતે જ નક્કી ક૨વાનો સંકલ્પ ઉચ્ચાર્યો એટલે એ વાત ફંટાઈને કવિતાના પ્રદેશમાં પ્રવેશી ગઈ. કેમકે કાગળમાં સ્થાન કે દિશા મેળવીને એ થોડો બેસી રહેવાનો’તો? એના ‘કાગળ’ શબ્દનો વાચ્યાર્થ ન રહ્યો, એ કશાકને સૂચવનારો બની રહ્યો, જેને પ્રતીક કહેવાનો આપણે ત્યાં રિવાજ છે. ૨ચનામાં જ્યાંજ્યાં શબ્દાર્થને, મુખ્યાર્થને, તાળું વસાયેલું લાગે, પ્રતીક નામની ચાવી લગાડવાથી ખૂલી જતું લાગશે, જેમકે, ‘લીટીઓ દોરી આપે કોઈ’ -માં ‘લીટીઓ’; મારા રસ્તાની એ વાત’-માં ‘રસ્તો’. ‘એક પણ અક્ષર સીધી લીટી જેવો નથી’ માં ‘અક્ષર’. એ પ્રકારે ભાવક હવે ખસવું’ ‘ચડવું’ ‘ઊતરવું’ ક્રિયાપદોને, ’ઝરણુ’ ‘તરણું’ શબ્દોને અને સમગ્ર રચનાને પણ કાવ્યાર્થની રીતેભાતે ઘટાવશે. સાહિત્યકૃતિની કલાને પામવા શબ્દોને જોતાં-સમજતાં શીખવાનું હોય છે, ભલે ને એ કૃતિ શબ્દોની જ બની કેમ નથી!

@@

આ કાવ્ય ડો. મણીલાલ હ. પટેલ દ્વારા સંપાદિત અને એકત્ર ફાઉન્ડેશન પ્રકાશિત સંચયમાં પણ પ્રકાશિત થયેલ છે.

@@

પોતાની કવિતા વિશે તો હું શું લખું ? પણ આશ્ચર્ય થાય છે કે મારી વીસ-બાવીસ વર્ષની વયે મને આવું ઊગ્યું હતું ! લખવા માટે લીટીઓવાળી નોટબુકમાં લખવાની મારી ચોખ્ખી ના. લીટીઓ વગરની નોટ જ જોઈએ. સ્કૂલમાં/કોલેજમાં તો ફરજિયાત લીટીઓ સ્વીકારવી જ પડે! પણ મનની વાતો લખવા માટે લીટીઓ ન પોષાય! સૌની દલીલ કે આવું ન ચાલે અને જવાબમાં મેં લખી નાખ્યું આ કાવ્ય! જો કે ત્યારે તો અંગત ડાયરીમાં ઠાલવેલો આ આક્રોશ હતો, જે અક્ષરશ: એમ જ છપાઈને કાવ્ય ગણાયો ‘અખંડ આનંદ’માં લગભગ મારા બેતાલીસમાં વર્ષે…. ચલો, દેર આયે દુરસ્ત આયે…..

મારી વાર્તા આપ નીચેની લિન્ક પર વાંચી શકો છો. આભાર.

હાંડવો (વાર્તા)

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

10 thoughts on “લતા હિરાણી : મારી પ્રિય કવિતા – ડો. સુમન શાહે કરાવેલ આસ્વાદ સહિત * Lata Hirani”

  1. Kirtichandra Shah

    આપની રચના અને સુમન શાહની નોંધ..ગમ્યા

  2. હરીશ દાસાણી.મુંબઈ

    કવિતા અને તેનો ઈતિહાસ કૌતુકપ્રેરક

  3. ઉમેશ જોષી

    વાહ.. રચના ખૂબ ખૂબ સરસ..
    અભિનંદન..

  4. આપનું આ કાવ્ય સુંદર રીતે આપના તે બરસાના મનોભાવો વ્યક્ત કરે છે, એ સમયની વાત એવી રીતે રજૂ કરી છે કે એને કાળ સ્પર્શી શક્યો નથી. વર્ષ ૨૦૨૪ની શુભેચ્છાઓ.

Scroll to Top