એક શબ્દ હતો
કમળ ઉઘાડીને જોયું તો એક શબ્દ હતો
શિલામાં કોળીને જોયું તો એક શબ્દ હતો
સમુદ્ર ડહોળીને જોયું તો એક શબ્દ હતો
દિશા ફંફોળીને જોયું તો એક શબ્દ હતો
તમામ રાત્રિઓના કેફને નિતારીને
ત્વચા ઢંઢોળીને જોયું તો એક શબ્દ હતો
સમય ક્ષિતિજ ને પવન નાદ બ્રહ્મ ચૌદ ભુવન
વટીને, ખોળીને જોયું તો એક શબ્દ હતો
પછી તો જાતરા લંબાઈ ગઈ’તી કાષ્ઠ સુધી
ચિતા જલાવીને જોયું તો એક શબ્દ હતો
ને રાત આખી ધીમા ગોખલાના અજવાળે
મેં જાગી જાગીને જોયું તો એક શબ્દ હતો
અનાદિ કંપનો કોષો ને આદિ સૂર્ય વલય
શમી – સમાવીને જોયું તો એક શબ્દ હતો
પ્રચંડ રાતનું તાંડવ પ્રકંપ ઘોર પવન
ત્રિશૂળ ખોડીને જોયું તો એક શબ્દ હતો
હે પાનબાઈ! ના પ્રકાશ ના તિમિર ન ક્ષણો…
ગગન પરોવીને જોયું તો એક શબ્દ હતો
~ લલિત ત્રિવેદી
‘સર્વ ભાષા ભારતીય કવિતા દર્શન’ આ મરાઠી ભાષાના પુસ્તકમાં ભારતની દરેક ભાષામાંથી ચુંટેલા કાવ્યો છે. તેમાં આપણી ગુજરાતી ભાષામાંથી ચાર કવિઓનાં કાવ્યોનાં મરાઠીમાં અનુવાદ કરેલા છે… સર્વ શ્રી ચિનુ મોદી… રમેશ પારેખ… યજ્ઞેશ દવે… અને લલિત ત્રિવેદી. આ ચારેય કવિઓ આપણું ગૌરવ છે. ઉપરની ગઝલ હૈદરાબાદ ખાતે 2014માં 26જાન્યુઆરી નિમિત્તે આકાશવાણી દ્વારા યોજાયેલ ભારતીય સર્વ ભાષા કવિ સંમેલનમાં કવિ લલિત ત્રિવેદીએ રજુ કરી હતી, જેનું પ્રસારણ 25જાન્યુઆરી ની રાતે દરેક રાજ્ય ના All India Radio પરથી અનુવાદો સાથે કરવામાં આવ્યું હતું….
કવિને અઢળક અભિનંદન અને શુભેચ્છાઓ.
OP 25.4.22
***
લલિત ત્રિવેદી
06-05-2022
આભાર લતાબહેન
છબીલભાઈ ત્રિવેદી
26-04-2022
આજની લલિતત્રિવેદી ની રચના શબ્દ હતો ખુબ સરસ શબ્દ આર હૈ શબ્દ પાર હૈ શબ્દ ઉપર તો આખા બ્રહ્ર્માંડ ની રચના થયેલી છે કવિ શ્રી ને ખુબ અભિનંદન આભાર
સાજ મેવાડા
25-04-2022
શબ્દની વિશાળતા, જગતની દરેક ઈશ્વરીય રચનામાં જોતા કવિ શ્રી લલિત ત્રિવેદીની સુંદર રચના.
