લાભશંકર ઠાકર ~ કવિવર નથી થયો * Labhshankar Thakar

🥀 🥀

કવિવર નથી થયો તું રે
શીદને ગુમાનમાં ઘૂમે?
લઘરા તારી આંખોમાંથી ખરતાં અવિરત આંસુ
આંસુમાં પલળેલા શબ્દો
શબ્દો પાણીપોચા
પાણીપોચાં રણ રેતીનાં
પાણીપોચા રામ
પાણીપોચો લય લચકીને
ચક્રવાકને ચૂમે
કવિવર નથી થયો તું રે
શીદને ગુમાનમાં ઘૂમે?

લઘરા તારા કાન મહીં એક મરી ગયું છે મચ્છર
એ મચ્છરની પાંખો ફફડે
શબ્દો તારા થરથર થથરે
ફફડાટોની કરે કવિતા
કકળાટોની કરે કવિતા
પડતા પર્વતનો ભય તારા ભાવજગત પર ઝૂમે
કવિવર નથી થયો તું રે
શીદને ગુમાનમાં ઘૂમે?

શહીદ બનતાં બચી ગયો તું ખડક શબ્દના ખોદે
વાણીના પાણીની મનમાં પરબ માંડતો મોદે
અરે ભલા શીદ પરસેવાનું કરતો પાણી પાણી?
તું તરસ્યો છે એવી સાદી વાત હવે લે જાણી.

શબ્દો છોડી ખેતરને તું ખેડ
ડી. ડી. ટી. છાંટીને ઘરમાં અનાવિલને તેડ.
શબ્દોનો સથવારો છોડી
લય લંપટના તંતુ તોડી
ઘરઆંગણીયે શાકભાજીને વાવો
કવિવર ! વનસ્પતિ હરખાય અશુ કૈં પ્રેરક સંગીત ગાઓ
અને જુઓ આ રીંગણ મરચાં ગલકાં તૂરિયાં
આંખ સમીપે લટકે લૂમે લૂમે
કવિવર નથી થવું તારે
શીદને વિષાદમાં ઘૂમે?

~ લાભશંકર ઠાકર (14.1.1935 – 6.1.2016)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

3 thoughts on “લાભશંકર ઠાકર ~ કવિવર નથી થયો * Labhshankar Thakar”

Scroll to Top