લિન્ડા પાસ્ટન ~ આસ્વાદ ઉદયન ઠક્કર * Linda Pastan * Udayan Thakkar

🥀 🥀

મારા પતિ ગઈ કાલના ભોજન માટે
મને ‘એ’ આપે છે,
ઈસ્ત્રીકામ માટે ‘અધૂરું’
અને શૈયાસુખ માટે ‘બી પ્લસ.’

મારો દીકરો કહે છે કે હું ‘સાધારણ સારી’ છું,
સાધારણ સારી’ માતા,
પણ મહેનત કરું તો સુધરી શકું.

મારી દીકરી ‘પાસ/ફેલ’માં માને છે.
મને કહે છે- ‘પાસ.’

એ લોકોને હજી ખબર પડી નથી
કે હું ‘ડ્રોપ આઉટ’ થવાની છું.

~ લિન્ડા પાસ્ટન
(
અંગ્રેજીમાંથી અનુ. ઉદયન ઠક્કર)

આસ્વાદ ~ ઉદયન ઠક્કર

ગૃહિણીની કામગીરી બાબત નુકતેચીની કરવાનો અધિકાર જાણે કુટુંબના દરેક સભ્ય પાસે હોય છે.’પંખા પર મહિનાની ધૂળ ચડી ગઈ છે’ ‘છાપું ક્યાં મૂક્યું છે?’ ‘પાછા વટાણા?’ ‘કેબલમાં સ્ટાર સ્પોર્ટ નખાવવાનું તને કેટલી વાર કહ્યું?’ ગૃહિણી જાણે વિદ્યાર્થિની અને બાકી બધાં પરીક્ષકો. પરીક્ષા રોજેરોજ લેવાય. કોઈ ‘એ,બી, સી’ પ્રમાણે ચકાસે, કોઈ ‘નબળું, સાધારણ સારું, ઉત્તમ’ પ્રમાણે, તો કોઈ ‘પાસ-નપાસ’ કરે.

પરિવારના બીજા સભ્યોને પણ પડકારોનો સામનો કરવો પડે છે, પણ પરીક્ષકો ઘરની બહારના હોય છે- ઓફિસ કે કારખાનાના માલિક, શાળા કે કોલેજના શિક્ષક. ગૃહિણીના પરીક્ષકો ઘરની અંદરના હોવાથી પરિવારમાં તાણ ઊભી થાય છે.ક્યારેક લાગે કે ગૃહિણીનું સ્વમાન સચવાતું નથી.

શાળા કે કોલેજ છોડી દેનાર વિદ્યાર્થીને ‘ડ્રોપ આઉટ’ કહેવાય. અંતિમ પંક્તિમાં ગૃહિણી રહસ્યસ્ફોટ કરે છે કે તે ડ્રોપ આઉટ થવાની છે. શું તે ઇબ્સનના નાટક ‘અ ડોલ્સ હાઉસ’ની નાયિકા નોરાની જેમ ઘર ત્યાગવાની હશે? કે પછી ‘હોમ મેકર’ની ભૂમિકા નકારીને કેરિયર-વુમન બનવાની હશે? કે પછી કુટુંબની વ્યક્તિઓના નકારાત્મક માપદંડ અવગણવાની હશે? ટૂંકા કાવ્યમાં કવયિત્રી બંધનમાંથી મુક્તિ તરફ ગતિ કરે છે. તેમનો સ્વર મક્કમ હોવા છતાં કટુ નથી.’

એ સાથે જ, આ કવિતા વિશે કવિશ્રી સંજુ વાળાનો પ્રતિભાવ પણ મમળાવવા જેવો છે: ‘કવિતા થવા માટે ઊંડા ચિંતનમનનયુક્ત દર્શન કે અનુભૂતિજન્ય આગવા પરિવેશ જ હોય એવું નથી. કયારેક સાધારણ અને વ્યવહારું ઘરઘરાઉ બાબતો પણ યોગ્ય ભાષાભિવ્યક્તિ મળે તો કવિતા થઈને ઊભી રહેતી હોય છે.‘

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

4 thoughts on “લિન્ડા પાસ્ટન ~ આસ્વાદ ઉદયન ઠક્કર * Linda Pastan * Udayan Thakkar”

  1. સુરેશ ચંદ્ર રાવલ

    સ્ત્રીની ભાવના એક સરખી જ હોય છે તે પછી કોઈ ભારતીય નારી હોય કે વિદુષી નારી… અપેક્ષાઓ ઘણી હોય છે કારણ તે એક ઘરનું કેન્દ્રસ્થ પાત્ર છે… કવિતા નાની પણ તેમના પરનું વિવેચન લાંબુ પણ સચોટ… ખૂબ આભાર ઉદયનભાઈ અને લતાબેન…

Scroll to Top