એકલવાયા
માથા પર વાદળની છાયા,
અમ પર એવી જગની માયા.
શત્રુ હો તો લડી લઉં પણ,
રણમાં ઊભા માડીજાયા.
એક જણે છોડ્યા છે અમને,
ટોળામાં પણ એકલવાયા.
બે દિન માટે આવે ને જાય,
સુખ તો છે એક અતિથિ ભાયા.
તરવા બેઠો છું ભવસાગર,
લઈને હું માટીની કાયા.
~ વજેસિંહ પારગી
આજે છે
શ્વાસ છે ને શરીર આજે છે,
જાત મારી અમીર આજે છે.
આંખ સામે કો લક્ષ્ય મૂકી દે,
હાથમાં મારા તીર આજે છે.
હુંય આસન લાગાવી બેઠો છું,
મારી ભીતર કબીર આજે છે.
દેહ દરગાહ જેવો લાગે છે,
રૂહ પણ જાણે પીર આજે છે.
~ વજેસિંહ પારગી
કવિએ આપણી વચ્ચેથી તા. 23.9.23 ના રોજ વિદાય લીધી. કવિના આત્માને ઈશ્વર ચિર શાંતિ બક્ષે એ જ પ્રાર્થના.

કવિ શ્રી ની ચેતના ને પ્રણામ રચનાઓ ખુબ સરસ
એક અનોખા તળના કવિની ગઝલો, ખૂબ જ સરસ. ૐ શાંતિ.