
🥀 🥀
*તને મુબારક દરિયો*
ધોધમાર વરસાદ મહીં જા, તને મળે સાંવરિયો
મને મુબારક ચાતક, સહરા, તને મુબારક દરિયો
સાવ અવાવર એકલતાની બારી ખોલું-વાસું
નહીં કહેલી વાતોમાંથી ઉગી ગયું ચોમાસું
મારે ફળિયે વરસે તડકો, તારે ફળિયે નદીઓ
મને મુબારક ચાતક, સહરા, તને મુબારક દરિયો
સાદ ભરેલા ટહુકાઓનું લીલું તોરણ ગૂંથું
બારસાખ પર યાદોનું ઘર કોને જઈને પૂછું?
રસ્તે રસ્તે તને ભીંજવે રાવ બની શ્રાવણીયો
મને મુબારક ચાતક, સહરા, તને મુબારક દરિયો
સાત જનમની પ્રીત પાંગરે હૈયે થઈને અવસર
તને પોંખવા આવે સૂરજ, સુખમય રાખે જીવતર
તારે પગલે હરિયાળું વન, તડકો પણ વાદળીયો
મને મુબારક ચાતક, સહરા, તને મુબારક દરિયો………
~ વર્ષા પ્રજાપતિ ‘ઝરમર’
પ્રિયજનને શુભેચ્છાઓ સાથે વહાલ પણ ઝરમર વરસે છે.

મનહર સુમધુર ભાવસભર સંગીતમય
ખુબ સરસ રચના ખુબ ગમી
પ્રિયજનનું ભલું ઇચ્છવું એ ખરા પ્રેમની નિશાની છે. ગીતમાં સરસ ભાવાભિવ્યક્તિ.
ખૂબ ખૂબ આભાર 😊🙏
રચના કાવ્યવિશ્વ વેબસાઇટ પર પ્રકાશિત કરવા માટે લતાબેન હિરાણીનો ખૂબ ખૂબ આભાર માનું છું.,😊🙏
આભાર નહીં આનંદ વર્ષાબેન
સરસ રચના . વરસાદી માહોલની આગવી અભિવ્યક્તિ.અભિનંદન.
વાહ, ખૂબ સરસ ગીત. વર્ષાબેનને આવું સરસ ગીત લખવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.