વર્ષા બારોટ ~ હજુ હમણાં જ * Varsha Barot

હજુ હમણાં જ સૂરજ ઊગ્યો છે
પરોઢે ખીલેલાં તાજાં તાજાં ફૂલોની જેમ
મારાં સપનાંઓ હજી તાજાં છે
આંખની દાબડીમાં સચવાયેલાં.

ધીમે ધીમે
એક પછી એક
બખોલમાંથી બહાર આવતાં ગલુડિયાંની માફક
નીકળી પડશે ટહેલવા
ધીંગામસ્તી કરવા
રમવા અને
જીવી શકાય એટલો ખોરાક શોધવા

સાથે સાથે સૂરજ પણ પડતો રહેશે
ફૂલો પર

દિવસ આખો બધું જ મળશે કદાચ
સાંજ સુધીમાં કરમાઇ જવાની

એક જ શરતે !!

~ વર્ષા બારોટ

વાત ખીલવાથી શરૂ થાય છે, ઊગવાથી શરૂ થાય છે. એમાંય પરોઢ અને આંખની દાબડીમાં સચવાયેલાં તાજાં સપનાં
કવિતાની શરૂઆતને જ તાજગીથી ભરી દે છે. સપનાઓમાં એમણે ભરી દીધી છે તાજાં ફૂલોની સુગંધ પણ… યુક્તિ
સરસ છે. આ સપનાઓ ટહેલવા નીકળે છે. સપનાઓની આ મોજ પર સૂરજના તડકાનો તાપ વધતો જવાનો છે. માત્ર સપનાંઓ પર જ નહીં, ફૂલો પર પણ શીતળતાનો પવન આથમી ઊનો વેગીલો વાયરો વાશે. દિવસ આમ પૂરો થાશે અને સાંજ પડે બધું કરમાઇ જશે… એક બાજુ સપનાંઓ અને બીજી બાજુ ફૂલો.. આ તો એક સ્ટેટમેન્ટ થયું. કવિ લખે છે, ‘દિવસ આખો બધું જ મળશે કદાચ, સાંજ સુધીમાં કરમાઇ જવાની આ એક જ શરતે….’’ અને આખી વાતમાં કવિતા પ્રવેશી જાય છે.

આ નિરાશાની કવિતા છે? જવાબ મોટે ભાગે ‘હા’. કેમ કે આખીયે વાત જે નાજુકાઇથી ઉઘડી છે એમાં અંતે સંબંધોની નિરાશા વધુ પ્રગટતી દેખાય છે. સવાર છે, ફૂલો અને સુગંધથી જાતને સમજાવવાનીયે વાત છે પણ આખરે તો નિષ્ફળતા ઝબકી જાય છે જેનો અસ્વીકાર કરવો નાયિકા માટે મુશ્કેલ છે.

અલબત્ત આ શરતવાળી વાતના જવાબમાં નિરાશાના સંદર્ભે ‘ના’ પણ મળી શકે. જો એને આધ્યાત્મિક સંદર્ભે જોઇએ તો!! સવાર પછી સાંજ અને રાત પછી દિવસ… ખીલવું ને ખરવું એ કુદરતનો ક્રમ છે, સહજ છે ને એનો સ્વીકાર હોય તો કોઈ દુખ, પીડા ન રહે. જોકે અહીં નાયિકા શું કહે છે? તમે જ જવાબ આપો!!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

4 thoughts on “વર્ષા બારોટ ~ હજુ હમણાં જ * Varsha Barot”

  1. કમલ પાલનપુરી

    વાહ,
    ખૂબ ખૂબ અભિનંદન વર્ષાબેન
    ખૂબસરસ…

  2. 'સાજ' મેવાડા

    સરસ કવિતા, અને ખૂબ સરસ લતાજી આપનો આસ્વાદિક ઉઘાડ.

Scroll to Top