

સ્પંદનો
આગિયાની પાંખ પરથી
ચૂપચાપ સરકે
જંગલની રાત …..
@@
તારો ચંદ્ર
ધીમે ધીમે આથમી જાય
મારી હથેળીમાં….
@@
ખડખડાટ હસી પડે તું
આસમાની
તળાવકાંઠે…
@@
રણઝણી ઊઠે છે આ માટી
ક્યારેક વરસાદથી
તો ક્યારેક મારા સ્પર્શથી….
~ વસંત જોષી
@@
આ જંગલ
આ જંગલ મને ગમે છે.
મારું પોતીકું લાગે
જાણે પ્રિયજન
સાગ પાન ખેરવે તો
લાતીને લાગેલાં તાળાં ખુલી જાય છે
સાગ પરથી પાન ખરે
એક પછી એક
સુકાતી ડાળ પર
પતંગિયું બેસે ને
લોહીમાં ફૂવારા ઊડે
જાણે કૂંપળ ફૂટવાનો સંકેત હોય એ પતંગિયું
લીલી ભીનાશ હવામાં ઉડાડતું
જ્યારે મારા હાથ પર બેસે છે
રોમે—રોમ નવી નક્કોર કૂંપળ ફૂટી નીકળે છે
હું ઘેરાતો જાઉં છું
ઝબકોળેલી લીલી ગંધમાં
પવનમાં વહેતાં મહુડામાં
અને
રાતનું આકાશ
અંધારે જોયાં કરે
સાગની સુક્કી ડાળ..
~ વસંત જોષી
‘મહૂડે ઝરતી રાત’ કવિ વસંત જોષીનો આ સંગ્રહ મનને તાજગીથી ભરવા સક્ષમ છે. ખાસ તો ડાંગના જંગલથી આરંભાતા કાવ્યોને કારણે. કલ્પનો એટલા દૃશ્યાત્મક છે કે ગયા વગર આ જંગલને અનુભવી શકાય તો કેટલીક કલ્પનાઓ એટલી રોમાંચક છે કે એ પતંગિયાઓ, એ રાતો, એ લીલી ગંધ કે આસમાની હાસ્ય ભાવકની અંદર ઊતરી જાય. ક્યાંક ગદ્યાળુતા પ્રવેશી હોવા છતાં સરવાળે આ અછાંદસ કાવ્યોથી અછૂતા ન રહી શકાય.
કવિ સિતાંશુ યશશ્ચંદ્ર, દિલિપ ઝવેરી કે ગોપિકા જાડેજા, નીરજ દઈયા જેવા સજ્જ લોકોએ કવિ વસંત જોષીના કાવ્યોના કરેલા અનુવાદો આમાં સામેલ છે તો રમેશ પારેખ, વિનોદ જોશી, સંજુ વાળા જેવા કવિઓએ કરાવેલા આસ્વાદો આ સંગ્રહનું જમાપાસું બને છે. ‘કાવ્યવિશ્વ’ને આ સંગ્રહ મોકલવા બદલ કવિનો આભાર.
‘મહુડે ઝરતી રાત’ * વસંત જોષી * બીજલ 2023

ખૂબ ગમી જાય એવી કવિતા. જંગલનાં સાગ મહુડો નજર સમક્ષ આવી ગયાં.
વાહ વાહ ખુબ સરસ
પ્રકૃતિ અને કવિનો સંબંધ અવિભાજ્ય છે. આપનો આસ્વાદ ખૂબ સરસ.
આભાર આપનો
સરસ કવિતાઓ.
કવિને અભિનંદન.
આસ્વાદ માટે ધન્યવાદ.