તુકોબાને મળવા શેક્સપિયર આવ્યો,
તે થયો ઉત્સવ દુકાનમાં.
મિલન તે રૂડું હૈયેહૈયું મળ્યું
માંહ્યલાનું ઠેઠ માંહ્યલામાં
તુકા કહે, “વિલ્યા, તારું કામ છે મહાન
આખોયે સંસાર ઊભો કરી દીધો.”
શેક્સપિયર કહે, “એક તોય બાકી
તેં જે જોયા, ઈંટ પરે.”
તુકા કહે, “બાબા, એ તો થયું સારું
તેથી પડી તિરાડો સંસાર માંહે
વિઠ્ઠલ અટ્ટલ રીત એની ન્યારી
મારી પાટી કોરી લખીનેય.”
શેક્સપિયર કહે, “તારા શબ્દ થકી
માટીમાં રમિયા શબ્દાતીત”
તુકા કહે, “સાંભળ ઘંટ તે મંદિર,
કર્કશા ઘરે જુએ છે વાટ”
બેઉ પડ્યા છુટ્ટા ગયા પોતાની વાટે
કૌતુક આકાશનું, ઉભરાય.
~ વિંદા કરંદીકર 23.8.1918 – 14.3.2010 (અનુ. અશ્વિની બાપટ)
આખું નામ ગોવિંદ વિઠ્ઠલ કરંદીકર. ‘વિંદા’ એ તેમનું તખલ્લુસ છે. વિખ્યાત મરાઠી કવિ, લઘુનિબંધકાર, વિવેચક તથા સમર્થ ભાષાંતરકાર. આખું નામ ગોવિંદ વિઠ્ઠલ કરંદીકર. ‘વિંદા’ એ તેમનું તખલ્લુસ છે.
શાળાના તેમના એક શિક્ષક કવિ નાગેશ નવરેની પ્રેરણાથી શિક્ષણકાળ દરમિયાન કરંદીકરે કાવ્યરચનાની શરૂઆત કરી.
કાવ્યસર્જન આશરે 1939થી 2004 સુધી સતત ચાલુ રહ્યું છે. કાવ્યના ક્ષેત્રે ‘સ્વેદગંગા’ (1949), ‘મૃદગંધ’ (1954), ‘ધ્રુપદ’ (1959), ‘જાતક’ (1968), ‘વિરૂપિકા’ (1981); બાળકાવ્યક્ષેત્રે ‘રાણીચી બાગ’ (1961), ‘એકદા કાય ઝાલે !’ (1961), ‘સશાચે કાન’ (1963), ‘પરી ગ પરી’ (1965), ‘અજબખાના’ (1974) વગેરે; લઘુનિબંધક્ષેત્રે ‘સ્પર્શાચી પાલવી’ (1958) અને ‘આકાશાચા અર્થ’ (1965); વિવેચનક્ષેત્રે ‘પરંપરા આણિ નવતા’ (1967); ભાષાંતરક્ષેત્રે ‘એરિસ્ટોટલચે કાવ્યશાસ્ત્ર’ (1957), ‘ફાઉસ્ટ’ (જર્મન કવિ ગટેરચિત નાટ્યકાવ્ય, ભાગ પહેલો, 1965), ‘રાજા લિયર’ (1974), ‘જ્ઞાનેશ્વરાંચા અમૃતાનુભવ અર્વાચીનીકરણ’ (1981) જેવી કૃતિઓનો સમાવેશ થાય છે. ‘એ ક્રિટિક ઑવ્ લિટરરી વૅલ્યૂઝ’ (1997) તેમનો વિવેચનગ્રંથ છે. બાળકો માટે તેમણે ઘણાં કાવ્યો લખ્યાં છે, જે સંગ્રહ રૂપે પ્રકાશિત પણ થયાં છે.
સતત પ્રયોગશીલ રહેલા ચિંતનશીલ કવિ તરીકે મરાઠી સાહિત્યમાં તેમનું સ્થાન આગવું અને કાયમી બન્યું છે. તેમનાં કેટલાંક પુસ્તકોના અંગ્રેજીમાં અનુવાદ થયા છે.
તેમને 1970માં ‘સોવિયેત લૅન્ડ નેહરુ ઍવૉર્ડ’, 1991માં મધ્યપ્રદેશ સરકારનું ‘કબીર સન્માન’, 1992માં ‘કુમારન આશન પુરસ્કાર’, 1993માં ‘કોણાર્ક સન્માન’ તથા 1998માં ‘કેશવસુત પુરસ્કાર’થી તેમને નવાજવામાં આવ્યા છે. 1994માં તેમને ટિળક મહારાષ્ટ્ર વિદ્યાપીઠ દ્વારા ‘ડૉક્ટર ઑવ્ લિટરેચર’ની માનાર્હ પદવી એનાયત કરવામાં આવી હતી. 1996માં કેન્દ્રીય સાહિત્ય અકાદમીના ફેલો તરીકે તેમની વરણી થઈ હતી.
સૌજન્ય : ગુજરાત વિશ્વકોશ

ઉમદા રચના…
હળવાશથી રજૂ થતું તત્વચિંતન
Tukoba ne malva Shexpear, wah what a idea and very very apt lines. Khub Dhanyvad
વાહ ખુબ સરસ