વિપિન પરીખ અને દાસી જીવણ

*અમારા ‘ક્લાસ-ટીચર’*

વીસ વરસ પછી
આજે અમારા ‘ક્લાસ-ટીચર’ મળી ગયા.
સ્હેજ વીલું મોં, પ્રાણ વિનાનાં પગલાં
જૂનો કોટ,
શાળાની નોકરીએ

એમને આટલો જ વૈભવ આપ્યો છે.
હવે ‘રીટાયર્ડ’ થયા છે.

સિંહ જેવો એમનો રોફ હતો.
એમનો અવાજ નહીં,

એમની ત્રાડ આખા ક્લાસને ધ્રુજાવતી
એ અમને ઊભા કરતા

ને અમે પાટલૂનમાં થરથરતા.

એક દિવસ ખરાબ અક્ષર માટે
એમણે મને હાથ પર ફૂટ મારેલું
તે હજી યાદ છે.

મને ઢીલા અવાજે કહે,
“તને તો ખબર છે

મારા અક્ષર સુંદર અને મરોડદાર છે,
અને હું

હિસાબના ચોપડા પણ લખી શકું છું.
તારી ફેકટરીમાં… ”

~ વિપિન પરીખ

*સતગુરુ*

‘સતગુરૂએ મુંને ચોરી શીખવાડી
ને જ્ઞાનગણેશિયો ઘડાયો રે

પવનરૂપી ઘોડો પલાણ્યો
ઊલટી ચાલ ચલાયો રે

ગંગા-જમનાના ઘાટ ઉલંઘી,
જઈને અલખ ઘરે ધાયો રે

ધમણ ધમુંકે તિયાં વીજું ચમકે,
અનહદ નોબત વાગે રે

ઠારોઠાર ત્યાં જ્યોતું જલત હૈ,
ચેતન ચોંકીમાંઈ જાગે રે

સાંકડી શેરી ત્યાં વાટું વસમી,
માલમીએ મુંને મૂક્યો રે,

નામની તો નિસરણી કીધી,
જઈને ધણીને મો’લે ઢૂકયો રે

શીલ સંતોષનાં ખાતર કીધાં,
પ્રેમે પેસારો કીધો રે

પેસતાંને પારસમણિ લાધી
માલ મુગતિ લીધો રે

આ રે વેળાએ હું ઘણું જ ખાટયો,
માલ પૂરણ પાયો રે,

દાસી જીવણ સતભીમને ચરણે,
મારો ફેરો ફાવ્યો રે.

~ દાસી જીવણ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

4 thoughts on “વિપિન પરીખ અને દાસી જીવણ”

  1. એક શિક્ષક ની ખુબ સાચી વાસ્તવિકતા ખુબ સરસ કાવ્ય ખુબ ગમ્યુ..દાસીજીવણ એટલે એક મહાન ભક્ત કવિ આજે પણ એમની રચનાઓ અમર છે ખુબ અભિનંદન કાવ્ય વિશ્વ

  2. શિક્ષકની દારુણ દશા એ આજની વાસ્તવિકતા છે.
    દાસી જીવણનું ભજન ભક્તિની પરાકાષ્ઠા દર્શાવે છે.
    ધન્યવાદ.

  3. હરીશ દાસાણી.મુંબઈ

    શિક્ષકનું ગૌરવ ન જાળવનાર સત્તા અને સમાજને જોરદાર તમાચા જેવું વિપિન પરીખનું કાવ્ય

  4. શિક્ષકનું વરવું ચિત્ર એક સંવેદનશીલ આંચકો આપી જાય છે. બીજું ગીત માર્મિક ભક્તિ રચના. વંદન.

Scroll to Top