વિપિન પરીખ ~ આ સામાન્ય માણસ * Vipin Parikh

આ સામાન્ય માણસ
સાઠ કરોડમાંનો એક – હિન્દુસ્તાનનો,
કરોડરજ્જુ વિનાનો.

બસકંડક્ટરથી ધ્રુજનારો, ટ્રેનમાં ભીંસાનારો,
ટૅક્સીડ્રાઇવરથી પણ હડધૂત થનારો.
બેન્કના મામૂલી ક્લાર્કને સલામ ભરનારો.

એક એક પૈસો ટેક્સનો બ્હી બ્હીને સમયસર ભરનારો.
દેશી માલ જ વાપરવાનો આગ્રહ રાખનારો.
મકાનમાલિકના પાઘડીના વળમાં ગૂંચવાયેલો.
પોલીસના યુનિફોર્મને દૂરથી જોઈ થરથરનારો.

ચોકી પર સંકોચાઈને ચૂપ બેસનારો, ગાયના જેવો –
ભોળો, મિનિસ્ટરોનાં લિસ્સાં લિસ્સાં ભાષણોને સાચ્ચાં માનનારો,
ને વળી તાળી પણ પાડનારો.
ચૂંટણી વખતે જોરજોરથી ‘જયહિન્દ’ બોલનારો.
બધું ભૂલી જનારો, ગળી જનારો,
કચડાયેલો,
પણ રોજ સવારે કોણ જાણે શી રીતે
હસતો ઊઠનારો
હું પણ તેમાંનો જ –
એક…

~ વિપિન પરીખ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

2 thoughts on “વિપિન પરીખ ~ આ સામાન્ય માણસ * Vipin Parikh”

Scroll to Top