વિપુલ માંગરોળિયા ‘વેદાંત’ ~ ઘણી વાર

ઘણી વાર દ્વારે ટકોરા પડે છે
હવાના નથી ને એ જોવા પડે છે.

વધુ પડતા જ્ઞાની થવાથી તો માણસ
સ્વયંમાં જ ક્યારેક ખોટા પડે છે.

ખબર છે તું એનાથી રોકાઈ જાશે,
ને આંસુઓ ત્યારે જ મોડાં પડે છે.

હવેના સંબંધો વિશે તો છે એવું,
જરૂરતના ટાણે જ મોળા પડે છે.

તમે લાગણીની જરા છાંટ નાખો,
તમારાં તો આંસુય કોરાં પડે છે.

કરે વાત ‘વેદાંત’ ચુંબનની જ્યારે,
આ ભમરા બધા કેમ ભોંઠા પડે છે?

~ વિપુલ માંગરોલિયા ‘વેદાંત’

પ્રથમ શેર જ ખેંચી લે એવો. ભણકારા વાગવાની વાત કવિએ કેટલી કાવ્યાત્મકતાથી કહી છે ! તો આંસુની વાત લઈને આવેલા બંને શેર દિલમાં વસી જાય એવા. એકંદરે બધા જ શેર સરસ.   

*****

વિપુલ માંગરોળિયા ‘વેદાંત’ ~ ઈર્ષાથી સળગે છે આખો

ઈર્ષાથી સળગે છે આખો,
કોઈ તો માણસને ઠારો.

શેકાયો ખુદની ગરમીથી,
સૂરજને વાદળ ઓઢાડો.

કરવી છે સાચ્ચે સેવા તો,
ઘરડાઘરને તાળાં મારો.

આપણને બાકોરું લાગે,
પંખીનો થાશે ત્યાં માળો.

ભીંતોનો તો દોષ જ ક્યાં છે,
આરોપી છે મનનો ગાળો.

ખરતા તારે સૌ કોઈ ધારે,
ધારું હું ને ખરશે તારો.

દિલ તો એની સાથે ચાલ્યું,
નજરુંને તો પાછી વાળો.

~ વિપુલ માંગરોલિયા ‘વેદાંત’

વાત ભલે એની એ પણ પહેલો શેર એ જુદી અદાથી લઈને આવ્યો છે. એવું જ કંઈક છેલ્લા શેરનું. સૌથી વધારે ગમી ગયો, ‘આપણને બાકોરું લાગે, પંખીનો થાશે ત્યાં માળો’ કેવી સલૂકાઈથી આવી સરસ વાત કહેવાઈ છે. આ વાતમાં નિરીક્ષણ અને પંખી માટેનો પ્રેમ બંને સમાયા છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

25 thoughts on “વિપુલ માંગરોળિયા ‘વેદાંત’ ~ ઘણી વાર”

  1. ઉમેશ જોષી

    કવિ વિપુલ માંગરોળિયા ની ગઝલ “ઘણી વાર ” ના પ્રથમ અને બીજો શેર વધુ ગમ્યો…
    તેમજ બીજી ગઝલ સરસ છે.
    અભિનંદન.

  2. સુનીલ શાહ

    દ્વારે ટકોરા, પંખીનો માળો ઉત્તમ.
    ખૂબ સુંદર ગઝલો

  3. શબનમ ખોજા

    આંસુઓ મોડા પડે… Waaaah

    બંને ગઝલ ખૂબ જ સરસ

  4. ઉમેશ જોષી

    કવિ વિપુલ માંગરોળિયાની બન્ને ગઝલ રોચક અને રસપ્રદ છે.
    અભિનંદન..
    ઘણી વાર..ગઝનો બીજો શેર વધુ ગમ્યો.

  5. SAVAL DANKHARA

    નાના શેરમાં શેર જેવી ગર્જના છે
    આજની પેઠીને સીધે સીધો જવાબ છે
    તમારી વાત કડવી પણ સાચી છે
    વાહ વેદાંત તમને સો ટોપની સલામી છે

  6. પ્રજ્ઞેશ ડોબરીયા

    વાહ વેદાંત ખૂબ જ સરસ ગઝલ

  7. જ્યોતીન્દ્ર પંચોલી

    બન્ને રચનાઓ અદભુત..ઇર્ષાદ..

  8. બંને ગઝલો દ્વારા કવિનો વિશેષ અંદાજ અભિવ્યક્ત થાય છે.હવાના ટકોરા આવનારા સમયના ભણકારા કવિને સંભળાતા હોય એવોય નિર્દેશ ન હોઈ શકે?

  9. લતાબેન આપ કાવ્યવિશ્ર્વ માટે કેટલી મહેનત કરો છો કાવ્યો ની પસંદગી કવિ ઓના ફોટોગ્રાફ તેમજ વેબસાઈટ ને અપડેટ કરવા મા થતો ખર્ચ ટેકનીકલ ખામી સર્જાઇ તો રિપેરિંગ આબધુ અેકલા હાથે મેનેજ કરવુ ખુબ અઘરુ છે સામે વાચક ને તો વૈવિધ્ય સભર કાવ્યો નો રસથાળ માણવા મળે છે અને તે પણ એક આંગળી ના ટેરવે અમો વાંચક મિત્રો આપનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન

    1. એક તો આ ગમતું કામ છે. બીજું આપ જેવા નિયમિત વાંચનારા અને પ્રતિભાવ આપનારા મિત્રોથી ઉત્સાહ ટકી રહે છે.હું જોઉં છું કે દરરોજ અને દરેક વિભાગમાં તમારો પ્રતિભાવ હોય છે જ. બસ તમે બધા આમ વાંચતાં રહો એટલે મારી મહેનત સફળ.

Scroll to Top