હતું મોસમનું ~ વિમલ અગ્રાવત
હતું મોસમનું ઇ પહેલું રે પાણી
સખીરી હું તો આખીને આખી ભીંજાણી
રે દરિયે કાંઇ નદીયું લૂંટાણી
સખીરી હું તો આખીને આખી ભીંજાણી…..
કોરાકટ આકાશે આવ્યું ઓચિંતું એક વાદળનું નખરાળું પૂર
છાંટે છાંટે લી’ મૂઇ છોલાતી જાઉં પણ કેમ કરી જાવું રે દૂર
હું તો ચૂંદડીની ઓથે સંતાણી
સખી રી હું તો આખીને આખી ભીંજાણી
પીતા પીવાઇ ગયું ચોમાસું કેમ હવે જીરવું હું એના તોફાન
રોમરોમ નેવાની ધાર બની થરકે ને વાંછટને જેમ ઊડે ભાન
હું તો ભીનપના ભારથી મૂંઝાણી
સખી રી હું તો આખીને આખી ભીંજાણી
~ વિમલ અગ્રાવત
ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે એક ભીંજાયેલી કન્યાના હૈયાનું ગીત સાંભળો….
સૌજન્ય : ધ્રુવગીત, નીલા ફિલ્મ પ્રોડકશન
કાવ્ય : વિમલ અગ્રાવત સ્વરાંકન-સંગીત કે.સુમંત સ્વર : નિષ્ઠા વર્દીવાલે
OP 16.6.22
***
છબીલભાઈ ત્રિવેદી
16-06-2022
ખુબ સરસ વરસાદી રચના
વિવેક મનહર ટેલર
16-06-2022
સુંદર રચના…
