વિવેક ટેલર ~ સ્મરણોની હેલી * Vivek Tailor

વરસી કંઈ સ્મરણોની હેલી,
હું તો લથબથ ભીંજાઈ થઈ ઘેલી.

વિસરી ગઈના છાણાં થાપી-થાપીને
મેં તો હોવાની ભીંતોને ઓકળી;
ઘરકામની કાથીઓ ખેંચી બાંધેલ ખાટે
આડી પડી’તી થઈ મોકળી.
એના નામનો વંટોળ મૂઓ ફૂંકાયો એમ
કે છત અને ભીંતો પડેલી.
વરસી કંઈ સ્મરણોની હેલી…

અંદરથી કોઈ મારી આંખ્યું દાબીને પૂછે:
કોણ છું હું બોલ સખી, બોલ..
કૂણી હથેળીઓ શ્વસી લગીર એમાં
મનડાનો થઈ ગ્યો ચકડોળ.
આટલું રહ્યું ન ભાન? આટલા જન્મોથી
હું તારા જ ટેકે ઊભેલી ?!
વરસી કંઈ સ્મરણોની હેલી

~ ડૉ. વિવેક મનહર ટેલર

પ્રણયની ઉછાળા મારતી ભરતી આખાય ગીતમાં અનુભવાય છે. વીસરી જવાની વાત એક જ પંક્તિમાં કહીને નાયિકાની ખોટી રીસ બતાવી છે કેમ કે ખરેખર તો રીસ એકેય રુંવાડામાં નથી.. એ પ્રિયતમને બોલાવવાનું બહાનું છે.

‘વિસરી ગઈના છાણાં થાપી-થાપીને, મેં તો હોવાની ભીંતોને ઓકળી;’ આ પંક્તિમાં વિસરવાની અને પછી રીસને ખેરવવાની વાત કેવી કાવ્યમય છે! ગામડામાં ગારની ભીંતોને સુંદર બનાવવા માટે એના પર ઓકળીઓ (ડિઝાઇન) પાડવામાં આવે છે. છાણાં આંગણાની કે કોઢની ભીંત પર થાપવામાં આવે છે, જે સુકાય એટલે બળતણ તરીકે વપરાય. પોતાના હોવાપણાના – મનના દ્વાર પર નાયિકાએ ‘વિસરી ગઈ’ના છાણા થાપ્યાં છે. પ્રેમમાં થોડો વિરહ, રિસામણાં-મનામણાં હોય તો રંગત જામે. આ છાણાં ભીનાં છે ત્યાં સુધી જ રહેવાનાં. પ્રિયના આવતાં જ મન લીલુંછમ થઇ જશે અને ‘વિસરી ગઇ’ના છાણાં સુકાઇને ખરી પડશે. છત અને ભીંતો તૂટી પડે એવો એના નામનો વંટૉળ ફૂંકાવાની તથા કૂણી હથેળીઓને લગીર શ્વસવાની તથા મનડાનો ચકડોળ થઇ જવાની વાત ગીતને કાવ્યતત્વથી અને મનને રસથી તરબોળ કરી મૂકે એવી છે.

ગીતતત્વ પ્રેમનું છે. રાધા અને કૃષ્ણનો પ્રેમ – ગોપીભાવ મોટાભાગના પ્રણયકાવ્યનું પોત બને છે. વાત પ્રેમની મસ્તીની હોય, રિસામણા-મનામણાંની હોય કે વિરહની.. સૌની બાની અલગ !! રજૂ થયેલા ભાવને કવિએ કેવી રીતે, કેટલો ઘૂંટ્યો છે ને આખાય શબ્દચિત્રના રંગો કેવા મ્હોરી ઊઠ્યા છે એનાથી કવિતાનું કાવ્યત્વ સિદ્ધ થાય છે. જે ગવાય એ ગીત અને એટલે ગીતનો લહેકો જુદો જ હોય… વહેતો લય ગળામાં આપોઆપ ઘુંટાતો રહે ત્યારે ગીત સિદ્ધ થાય.. લયના પ્રવાહને બેય કાંઠે છલકાવતું, કાનમાં ગુંજી રહે એવું મીઠું મધુરું આ ગીત બન્યું છે.

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 15 > 20 ડિસેમ્બર 2011 (લેખ ટૂંકાવીને) 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

10 thoughts on “વિવેક ટેલર ~ સ્મરણોની હેલી * Vivek Tailor”

  1. ઉમેશ જોષી

    વાહ ગળચટ્ટુ ગીત છે.
    આસ્વાદ ખૂબજ સરસ કરવામાં આવ્યો છે.
    અભિનંદન.

  2. પ્રણય ગીત આસ્વાદથી વધારે આસ્વાદ્ય બન્યું છે.અભિનંદન.

  3. દિનેશ ડોંગરે નાદાન

    ખૂબ ખૂબ સુંદર ભાવ સાથેનું લયબદ્ધ ગીત વિવેકભાઈ.

  4. રચના અને આસ્વાદ પોસ્ટ કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર…

    રચના અને આસ્વાદ વાંચીને પ્રતિભાવનાર મિત્રોનો પણ હૃદયપૂર્વક આભાર

Scroll to Top