વીરૂ પુરોહિત ~ તિથિસાર * Viru Purohit

તિથિસાર ~ વીરૂ પુરોહિત

પડવે તું પોતે આવી ને બીજે મોકલી આંખો જી !
ત્રીજે મારે બીલીપત્ર પર ચહેરો ચીતરી નાખ્યો જી !

ચોથે ચમકી વીજળી, પાંચમ ‘પિયુ પિયુ’ પોકાર જી ,
છઠ્ઠે મારું ભીતર તું ભીંજવતી અનરાધાર જી !

મેઘધનુષ્યની પણછ તૂટીને સાતમ રંગફુહાર જી,
આઠમ કળી કમળની, તારા શરીરનો શણગાર જી !

નવમીનો ક્ષય, તડકો નીકળ્યો, અમને ફૂટી પાંખો જી;
પડવે તું પોતે આવી ને બીજે મોકલી આંખો જી !

તોરણ બાંધી દશે દ્વાર પર અમને લખિયો કાગળ જી !
“અગિયારસના શુભ અવસર પર તમે વધેરો શ્રીફળ જી !”

બારસ ખુલ્લા બાજુબંધ ને તેરસ ભીડી ભોગળ જી !
ચૌદ ભુવનની તું મહારાણી, ચરણ ચાંપતાં વાદળ જી !

પૂનમનો તેં ભરી વાડકો, મને કહ્યું કે ‘ચાખો જી !’
પડવે તું પોતે આવી ને બીજે મોકલી આંખો જી !

વીરુ પુરોહિત

‘જી’નો લહેકો તંબૂર ચાક્ષુષ કરી આપે…. પણ આ તો ભજનની છાંયમાં કોળી ઊઠતું રસબસ કરી દેતું પ્રેમગીત, વળી ગુજરાતી તિથિઓને (પડવાથી લઈને પૂનમ સુધી, ક્ષયનો પણ સમાવેશ) પગથિયાં બનાવીને રચાયેલું ! કવિએ પ્રેમનો કટોરો શબ્દોમાં પાયો જી….

‘દશે દ્વાર પર’ વાંચીને એક વાત યાદ આવી. ક્યાંક વાંચ્યું હતું – ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ એ મુખ્ય ચાર દિશાઓ અને અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય અને ઈશાન એ ચાર ઉપદિશાઓ મળીને આઠ દિશાઓ થઈ ગઈ. બાકી બે રહી – ઊંચે (ઊર્ધ્વ) અને નીચે (અધર). આઠમાં આ બે દિશાઓ મેળવી દશ દિશાઓ થાય છે. અહીં તો કવિએ દશે (દિશ અધ્યાહાર સમજવું) દ્વાર પર તોરણ બંધાવ્યા છે !

OP 14.5.22

***

પ્રફુલ્લ પંડ્યા

14-05-2022

પરંપરામાંથી આધુનિકતા રૂપાંતરિત કરતું વિશિષ્ટ અને મનહર ગીત : કવિશ્રી વીરુ પુરોહિતને હાર્દિક અભિનંદન !

સાજ મેવાડા

14-05-2022

બારમાસી કાવ્ય પ્રકારની જેમ રચાયેલું આ કાવ્ય ગમ્યું. કુદરત અને વિરહને વર્ણવતાં આ ગીતો આજના ઈન્ટરનેટ અને નગર જીવનના વાચકો માણી શકતા નથી.

છબીલભાઈ ત્રિવેદી

14-05-2022

અમારા જુનાગઢ ના કવિ વિરુ પુરોહિત નુ કાવ્ય ખુબજ ગમ્યું પડવા થી પુનમ સુધી ની તિથિ નો ખુબજ સરસ સમન્વય કરાવ્યો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top