🥀 🥀
અમરાપુરિનાં અતિથિ, વ્હાલાં, આવજો!
મધુરાં કીધાં કરવ્યાં શૂં રસપાન જો:
રસવીથિ સુરવાડીની સોહામણી
લલચાવે? નવ દીધાં હજિ ઉરદાન જો….
સરજનજૂની કોકિલકુંજનિ પ્રીત જો,
પુષ્પિત પુંજપરિમલની ઉરપ્યાસ જો,
ઊંચે ઊંચે ઉડવાની ઉરંઝખના,
નવ પોષાયે અદને અમ આવાસ જો….
હૈયાંને હિન્દોળે હો હિન્દોળશૂં,
કૂંળી કળિ શા ઉર જાગ્યા રસકોડ જો
આત્માના અમૃતમાં પ્રિય ઝબકોળશૂં,
વામ વિધી શૂં હસવાની એ હોડ જો….
પ્રભુ પંખેરાં પાળવવાં એ પાપ છે,
ઉચિત જ એને ઊંચા વ્યોમવિહાર જો
પિંજર પાળ્યાં, વ્હાલાં, કહો એ માફ છે?
મરકલડાં ક્યાંથી અમ માનવદ્વાર જો….
નેહનગરનાં રઢિયાળાં રસરાજવી,
થાપ્યાં થોડું તેજોમય ઉરતખ્ત જો
કુસુમકલેવર! હૈયાંની ફુલ પાંદડી
વજ્રતીખિ ને લાગી કદિ કદિ સખ્ત જો….
તમ તેજોમય હાસે, અમૃતદીવડાં
ઊડ્યા ઊડ્યા આત્માના અન્ધાર જો
અજવાળાં શાં ઉઘડ્યાં અમિમય આંગણે,
સ્વર્ગસુધા રેલી રહિ શૂં સ્મિતધાર જો….
માનવની મિટ્ટીમાં દેવલ દીપ્તિ છે,
દેવદૂતનો મનુકુલને અધિકાર જો
ફુલડાં શા ફીરસ્તા ઉતર્યાં આંગણે,
સૌરભને શુચિતાના તમ શણગાર જો…
મધુઝર તમ માયાનાં શુચિ સમ્ભારણાં
છાયા છબિને સમણે સુખભંડાર જો
આત્માના અમૃતરસ ઓગળી ઓગળી
હેત પૂતળાં ઉર ઘડશે સ્મૃતિસાર જો….
~ શંભુપ્રસાદ જોશી ‘કુસુમાકર’ (8.1.1893 – 23.8.1962)
કાવ્ય સૌજન્ય : રેખ્તા
*****

કવિ શ્રી ને સ્મૃતિ વંદન. સરસ માહિતી આપી.
કુસુમાકર ન્હાનાલાલની પરિપાટીના કવિ. એમને જોયા નથી પરંતુ એમના પુત્ર પ્રા. ભરતભાઈ જોશીપુરાનો હું વિદ્યાર્થી. મારા પર અપાર સ્નેહ એ જોશીપુરા – દંપતીનો એટલે કુસુમાકરના બાલગીતોનો સંગ્રહ ‘બાલમુકુંદ’ એમણે મને અર્પણ કરેલો. મને અર્પણ થયેલું જીવનનું એ પ્રથમ પુસ્તક હા, એ વખતે મનોહરને બદલે મનોજ નામ એમને ગમતું હશે તેથી એ નામે અર્પણ કર્યું!
ધન્યવાદ, બહેન.
આપને વંદન.
મનહરભાઈની વાત જાણી આનંદ થયો. કવિનો પરિચય સરસ આપ્યો છે. ધન્યવાદ.
સાદર સ્મરણ વંદના.