
🥀 🥀
*વર્ષા ટાણું*
પહેલા વરસાદમાં ભીંજાયા ભાવથી રોમ રોમ વરસે અપાર ;
વ્હાલભરી વાછટના મોંઘેરા માર જોવા લોકોની લાગી કતાર. …
ટાણું પલળવાનું આવે છે ત્યારે હું ટાણાંને સાચવી જ લઉં છું ;
વાદળના ભારનો આભાર માનવા મોરલાને કાનમાં કહું છું;
ભીંજાણાં મન ભરી મોકળા મનથી ગાતા’તા મીઠો મલ્હાર. …
ઋતુના રાજવીના હોકારે હોકારે લોકોના હૈયા કોળાય;
આંગણની અમથી છાલકના હિલ્લોળે શેરી બજારો છલકાય;
પગ લગી પલળીને આખી ઢોળાઈ ગઈ ઓરતાના છલકે અંબાર….
સત્તર ચોમાસાએ ભીંજવી નો’તી એવી ભીંજાણી છું બાઈજી ;
પે’લા તો તરત જ સૂકાઈ જાતી’તી પણ હવે. મુંજાણી છું બાઈજી;
લથ બથ કાયાને જોનારી નથી :કહે છે નવાંની ધાર….
~ શિવજી રૂખડા
વરસાદમાં જ લથબથ થવાની વાત ક્યાં છે! અહીં તો પ્રેમમાં, વહાલમાંયે લથબથ થવાયું છે. ગીતમાં કહેવાનું એ જ તો છે. જુઓ આ બે પંક્તિ અને છલકાઈ જાવ. – ‘પગ લગી પલળીને આખી ઢોળાઈ ગઈ ઓરતાના છલકે અંબાર’ અને ‘પે’લા તો તરત જ સૂકાઈ જાતી’તી પણ હવે. મુંજાણી છું બાઈજી’
@@
*તો ચાલશે*
ઘરની સામે ઘર હશે તો ચાલશે;
સાંકડું અંતર હશે તો ચાલશે.
આંખ બોલી સાંભળે છે આંખ પણ ;
પ્રેમનું મંતર હશે તો ચાલશે.
એક વિજાણંદ ને શેણી સમું ;
ઠાવકું જંતર હશે તો ચાલશે.
વાટકી અંદર ભરી છે આ તરસ ;
એટલું સરવર હશે તો ચાલશે.
ના કદી પહોળા થયા ના સાંકડા ;
માપની ચાદર હશે તો ચાલશે.
રોજની ખાતાવહી જોવી ઘટે ;
-મેળ ત્યાં સરભર હશે તો ચાલશે.
~ શિવજી રૂખડા
રદ્દીફ ‘ચાલશે’ રાખીને કે ‘માપની ચાદર’ કહીને કવિએ શું બાકી રાખ્યું છે, એ પ્રશ્ન છે. આંખની બોલી આંખ સાંભળે કે વાટકી તરસની ભરાય કે રોજની ખાતાવહી સરભર થવાની ઝંખના વ્યક્ત થાય ત્યાં એ સમજાય છે. અને એ જ તો કવિતા છે!
***
*મન મનાવું છું હજી*
આપણા થાશે કદી હું મન મનાવું છું હજી;
એમ ગઈ આખી સદી હું મન મનાવું છું હજી.
આ તરસનો એક છેડો ખૂબ લંબાતો ગયો ;
સાત સુકાણી નદી હું મન મનાવું છું હજી.
આવવાનો છે સમય એવા દિલાસામાં રહ્યો;
હરેક પળ એમ જ વદી હું મન મનાવું છું હજી.
એક પણ સપનું ફળે એવું કદી આવ્યું નહીં
રોજ થઈ જાતાં રદ્દી હું મન મનાવું છું હજી.
આ તમસથી તંગ થઈને પણ હજી હાર્યો નથી;
ઊગવાનો કોક દી હું મન મનાવું છું હજી.
~ શિવજી રૂખડા
મન મનાવવાની વાતમાં આ વિશ્વનો કોઈ માનવી બાકાત નથી. તરસના છેડા અનંત છે, સાત નદી તો નહીં સાત મહાસાગર પણ એ સૂકવી શકે. બસ, ટકી રહેવાય તો આ વાતે ‘ઊગવાનો કો’ક દિ’…’ કવિ કલ્પનાનું સત્ય અને વાસ્તવનું સત્ય સાથે મૂકી આપે છે.
****
*નખ બધાં કાપ્યાં પછી*
કેટલી નિરાંત થઈ છે નખ બધાં કાપ્યાં પછી;
જાત સાથે વાત થઈ છે નખ બધાં કાપ્યાં પછી.
એટલે વિરોધ કાયમ એ સતત કરતાં હતાં;
રોજ ભેગી નાત થઈ છે નખ બધાં કાપ્યાં પછી.
એ જ ગુનો છે અમારો એમને પંપાળતા;
જાણ એની આજ થઈ છે નખ બધાં કાપ્યાં પછી.
નખપણાંના કારણો કેવા નડયા’તા હર ક્ષણે
આજ કેડી સાફ થઇ છે નખ બધાં કાપ્યાં પછી.
નખ વચાળે જાત આખી કોઈ દિ’ કોળી નથી;
છમ્મલીલી હાશ થઈ છે નખ બધાં કાપ્યાં પછી.
~ શિવજી રૂખડા
‘નખ બધાં કાપ્યાં પછી’ જેવું સાવ ભૌતિક અને ‘કવિતામાં આવી શકે !’ એવો પ્રશ્ન પણ જન્માવતો રદ્દીફ લઈને કવિ આવ્યા છે ત્યારે આ ભૌતિક લાગતાં શબ્દોની અર્થછાયા તપાસીએ તો જીવનનું એક સનાતન સત્ય નજરે ચડયા વિના ન રહે. ‘નખ’ તો સારી સમસ્યાઓનું મૂળ છે ને !

નખ બધા કાપ્યા પછી.
લાજવાબ. 👌
શિવજીરુખડા બગસરા કુતુબ આઝાદ ના શહેર મા વર્ષો થી ધુણી ધખાવી બેઠા છે ખુબ સારા મિત્ર કવિ ના બધાજ કાવ્યો ખુબ ગમ્યા રૂબરુ પણ ખુબ સાંભળ્યા છે અભિનંદન કાવ્ય વિશ્વ
આભાર છબીલભાઈ
વાહ વાહ.. કવિશ્રી શિવજી રૂખડાની સરસ રચનાઓ માણવા મળી
ખૂબ જ સરસ ચયન ગઝલોનું. “નખ બધા કાપ્યા પછી” રદિફ એટલો જામતો નથી પણ સ્વીકારી શકાય એવી ભાવાભવ્યક્તિ થઈ છે.
કવિશ્રીની ચારેય રચના ખૂબ ખૂબ સરસ છે.
શિવજીભાઈ ઘણા સમયથી ગઝલો લખે છે. એમનો પહેલો ગઝલસંગ્રહ હજી મારી પાસે છે. એમની ગઝલોમા ઊંડું ચિંતન જોવા મળે છે. પ્રસ્તુત ગઝલો એનું સચોટ પ્રમાણ છે. અભિનંદન શિવજીભાઈ અને લતાબેનને આવી સુંદર ગઝલો રજૂ કરવા માટે.
આભાર દિનેશભાઇ
વાહ વાહ! નખ કાપ્યા પછી… એ રદીફ લઈને ગઝલ રચી શકાય એ જ કવિશ્રીની વિશેષતા બતાવે છે. ખૂબ અભિનંદન ભાઈ 💐
વાહ મજાની રચનાઓ
નખપણાંના કારણો કેવા નડયા’તા હર ક્ષણે
આજ કેડી સાફ થઇ છે નખ બધાં કાપ્યાં પછી. …સાદા શબ્દોની અવનવી કવિતા. ચારેય રચનાઓ સરસ છે.
સરયૂ પરીખ.
સરસ રચનાઓ
ખુબ સરસ
શિવજી રૂખડાની ગઝલો તથા ગીતોમાં તાજગી અને નવૉન્મેષનો મોહક સ્પર્શ છે.