શેખાદમ આબુવાલા ~ નયનનાં આંસુઓ & નિરાશ થઈ * Shekhadam Aabuwala

આવી ગયું હસવું !

નયનનાં આંસુઓની ધાર પર આવી ગયું હસવું !
મને ત્યારે જ મારા પ્યાર પર આવી ગયું હસવું !

કિનારે આવીને જ્યારે અચાનક નાવ ડૂબી ગઈ,
ઉછાળા મારતા મઝધાર પર આવી ગયું હસવું !

નજરના ભેદ છે કેવા ! હસે છે કોણ કોના પર ?
મને મારા હૃદયનાં ભાર પર આવી ગયું હસવું !

મને ત્યારે ન જાણે આંસુઓ પર લાગણી થઈ ગઈ !
જગતને જ્યાં કદી રડનાર પર આવી ગયું હસવું !

મને સાથે લીધો, મંઝીલ મળી ત્યારે મૂકી દીધો;
તમારા રમ્ય આ આભાર પર આવી ગયું હસવું !

જવાની છે; અચલતા છે, અડગતા છે, અટલતા છે !
ચરણમાં કંટકો ધરનાર પર આવી ગયું હસવું !

સનાતન હોય એને કોઈ પણ મારી નથી શકતું !
ઉઠેલી જુલ્મની તલવાર પર આવી ગયું હસવું !

જવાની રૂપ સામે કેટલું ઝૂઝી શકે બોલો !
મને જીતી ગયેલી હાર પર આવી ગયું હસવું !

ભલે ઠંડો રહ્યો હું ગર્વ તો તારો થયો ખંડિત !
મને ખાલી ગયેલા વાર પર આવી ગયું હસવું !

~  ‘શેખાદમ’ આબુવાલા

વાંસળી હૃદયની

નિરાશ થઈ વાંસળી હૃદયની વગાડી હતી ;
પ્રફુલ્લિત વસંતમાં શિશિરને જગાડી હતી !

રજેરજ પરાગથી સભર કેમ થૈ ના શકી ?
સુવાસિત અને લચી પડતી ફૂલવાડી હતી !

ઉરે જલન અગ્નિની, નયનથી વહે વાહિની ;
અરે હૃદય મૂર્ખ તેં લગની ક્યાં લગાડી હતી ?

જરી નયન મીંચીને, સ્વપ્ન હીંચકો હીંચીને,
સુષુપ્ત કંઈ ઊર્મિઓ પલકમાં જગાડી હતી !

ચલો સહચરો ! સહે ચલનની મઝા માણીએ !
દિલેદિલ મિલાવવા દિલથી બૂમ પાડી હતી !

ઉડે ભ્રમર બાગમાં, ગુનગુને મીઠા રાગમાં !
સુણી મિલન ગીત આંખ કળીએ ઉઘાડી હતી !

ન ભગ્ન થઈ જાય સુપ્ત કંઈ સૂરના તાર સૌ !
સિતાર હળવે અને સિફતથી ઉપાડી હતી !

~ શેખાદમ આબુવાલા

કવિને જન્મદિને સ્મૃતિવંદના

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

2 thoughts on “શેખાદમ આબુવાલા ~ નયનનાં આંસુઓ & નિરાશ થઈ * Shekhadam Aabuwala”

Scroll to Top