શૈલેષ પંડ્યા ‘નિષેશ’ ~ ફરી આજ & લાવ થ્યું કે * Shailesh Pandya

ફરી આજ

ફરી આજ બાળક કૂખેથી પડી ગયું,
ફરી કૂખને કોઈ ખંજર અડી ગયું.

હતું માંસનો એક લોચો હજી તો,
છરી સ્પર્શતા રક્ત થઈને દડી ગયું.

હતી શાખ લીલી બધી શ્વાસની પણ,
કે મૂળ માણસાઈ તણું આ સડી ગયું.

જે કર કૃષ્ણને પારણાંમાં જુલાવે,
એ કરથી ભલાં પારણું ઊજડી ગયું.

સૂની ગોદમાં આંસુઓના નિસાસા,
કહું કેવું ભણતર અમોને નડી ગયું,

હજી પ્રાણ રોપે પ્રભુ એ ગરભમાં,
એ પહેલાં જ માણસપણું આભડી ગયું.

મરણચીસ કોઈ ન એને ધ્રુજાવે,
કહે એને સૌ જીવતાં આવડી ગયું.

કોઈ આંખ વ્હેતી રહી રાતભર ને,
બલિ દીકરીનું આ હોવું ચડી ગયું.

~ શૈલેષ પંડ્યા ‘નિશેષ

દીકરીની ભ્રૂણહત્યા એ જન-જનનો જાણીતો વિષય અને છતાં એટલો જ જખમ દેતો વિષય. ‘માણસપણું’ આભડી જવાની વાત કવિતાઈ સંદેશ આપતા અરેરાટી ઉપજાવે છે. તો ‘મરણચીસ ન ધ્રુજાવે એને….. જીવતાં આવડી ગયું!’માં કવિનો કટાક્ષ હૃદયની આરપાર ઉતરી જાય છે. માણસાઈના દુકાળ વગર આવી ઘટનાઓ ન સંભવે. 

તિરાડ પાડું

લાવ થ્યું કે જળમાં હું તિરાડ પાડું,
સેરવી પડદો ઝરણનો, પ્હાડ પાડું.

તું ઝૂકી ગઈ સાંઢણીની જેમ સાંજે,
ગઢમાં ઘડપણનાં જઈ હું રાડ પાડું.

કેટલો છે અશ્રુથી લથબથ એ જોવા
એક પરપોટાને સ્પર્શી ધાડ પાડું.

વિસ્તરી ના જાય ‘હું’નું એક જંગલ
જઈ ભીતર મારાપણાનું ઝાડ પાડું

રક્તમાં અંધારનાં ડૂમાં વહે છે,
હાથ પ્રગટાવી જરા ઉઘાડ પાડું.

ક્યાંય છે માણસપણાંનાં દૃશ્ય જોવાં
ચીથરાં આંખોનાં લઈને ત્રાડ પાડું.

~ શૈલેષ પંડયા ‘નિશેષ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

25 thoughts on “શૈલેષ પંડ્યા ‘નિષેશ’ ~ ફરી આજ & લાવ થ્યું કે * Shailesh Pandya”

  1. Pingback: 🍀22 જુન અંક 3-1190🍀 - Kavyavishva.com

  2. ઉમેશ જોષી

    ફરી આજ… ગઝલ સંવેદનશીલ છે,
    તિરાડ પાડું..ગઝલના સકળ શે’ર મર્મજ્ઞ છે..
    અભિનંદન…

  3. kishor Barot

    ભ્રુણ હત્યા, વિષય જૂનો પણ અભિવ્યક્તિમાં મૌલીકતા.

    1. સ્ત્રી કેળવણી નારી તું નારાયણી વિકાસ ઉપર પ્રકાશ પાડે છે ખૂબ જ અભિનંદન

  4. શૈલેષ પંડયા નિશેષ

    સાહિત્યની અપ્રતિમ અને અવિરત સેવા કરતી વેબસાઈટ (બ્લોગ) kavyavishva. com પર મારી બે રચનાઓને ફરી આજે વિશ્વ ફલક પર લઈ જવા બદલ સંચાલક બેન શ્રી
    લતાબેન હિરાણીનો દિલથી આભાર..સૌ કોમેન્ટ આપનાર અને kavyavishva. com નાં ભાવકોનો પણ ખૂબ ખૂબ આભારી
    આભાર… શૈલેષ પંડયા નિશેષ

    1. સિદ્ધાર્થ ભટ્ટ

      પહેલી રચના માં શૈલેષભાઇ નો સમાજની બદી પરનો આક્રોશ સુપેરે, મૌલિકતા સાથે પ્રગટ્યો છે.
      જ્યારે બીજી રચનામાં તેઓ સ્વ સાથે વાર્તાલાપ કરીને પણ કંઈક નવું કરવાનું જોમ ચડાવે છે. કોઈ નવો રાહ પ્રશસ્ત કરવા પ્રેરે છે.
      બંને રચનાઓ અદ્ભૂત.

      1. શૈલેષ પંડયા નિશેષ

        ખૂબ ખૂબ આભાર સિધ્ધાર્થભાઈ.. આપ આ વાંચો છો… એ જાણી આનંદ સહ ઉત્સાહિત છું

  5. વિજય પંડ્યા

    ખૂબ જ ઉત્તમ રચનાઓ ,લખતા રહો ….

  6. હતું માંસનો એક લોચો હજી તો,,,
    હતો માંસનો એક લોચો હજુ તો,,,,કારણ કે
    (લોચો)શબ્દ પુંલ્લીગ છે

    1. કદાચ કવિ ભૃણ ને જાતિ સાથે જોડવા નથી માંગતા. “હતો” શબ્દ જાતિ વિષયક ભાસે છે.
      વળી, “હતો” લખવા જતાં આખી રચનાનો પ્રાસ પણ વિખાય જઈ શકે.

      1. શૈલેષ પંડયા નિશેષ

        સાચી વાત છે…. છંદ તુટી જાય છે….

Scroll to Top