મરકતાં હોય તો ~ શોભિત દેસાઈ
મરકતાં હોય તો લાગે પરીનાં ફૂલો છે
અરે! શિશુઓ છે કે જિંદગીનાં ફૂલો છે
એ ઓળખાય ભલે નભમાં કોઈ પણ નામે
જે ટમટમે છે તરલ, ચાંદનીનાં ફૂલો છે
હો ખુલ્લી કે પછી અધખુલ્લી કે બિડાયેલી,
તમારી આંખો છે કે મયકશીનાં ફૂલો છે!
ઇમાનદારી-પ્રામાણિકતા-માણસાઈ-વફા
છબી બન્યાં છે હવે, ગઈ સદીનાં ફૂલો છે!
કરી પસાર પૂરી રાત મહેકની સાથે
ગયું આ કોણ પરોઢે, કે ભીનાં ફૂલો છે!
ઝિલાતાં હોય છે ત્યારે નથી જ જીરવાતા
ગઝલના શેર તો પયગમ્બરીનાં ફૂલો છે.
~ શોભિત દેસાઈ
પ્રથમ શેર જ બહુ ગમી ગયો. બાળક માટેની આવી નજાકતભરી વાત કોઈને ન ગમે તો જ નવાઈ ! બાળકને ફૂલ સાથે તો અનેકવાર સરખાવાયું છે પણ અહીં એ પરીનું ફૂલ છે, અને વાત કૈંક વિશેષ બની જાય છે. બધા જ શેર પણ દાદ દેવા પડે એવાં…
OP 21.9.22
***
ઉમેશ જોષી
25-09-2022
મત્લાનો શેર વધુ ગમ્યો..સકળ શેર રોચક છે.
કવિ શોભિત દેસાઈને અભિનંદન.
Meena
23-09-2022
શરુઆતના શેરમાં જીવનની સુંદરતા નાજુકાઈથી વર્ણવી….અને તરત જ જીવનનાં મૂલ્યો પણ ગઈ સદીનાં ફૂલો છે..એમ કહી કડવી વાસ્તવિકતાનું સચોટ દર્શન કરાવ્યું……🙏🏻
છબીલભાઈ ત્રિવેદી
21-09-2022
બધા શેર કાબીલે દાદ બાળક તો ઈશ્ર્વરે માનવજાત ઉપર લખેલો પ્રેમપત્ર છે ખુબ સરસ રચના આભાર લતાબેન
પ્રફુલ્લ પંડ્યા
21-09-2022
શોભિત દેસાઈ પોતાની ગઝલોમાં મુગ્ધતા સાથે કશુંક નવું એ રીતે લ ઈ આવે છે કે ભાવકને પ્રસન્ન કરી દે ! વિશાળ અનુભવ સૃષ્ટિ અને સૂક્ષ્મ નિરીક્ષણ શક્તિ ગઝલને ફુલ અને ફુલને પરી બનાવી વૈવિધ્યસભર અનુભૂતિઓનો રસાસ્વાદ કરાવે છે જેનું સ્પષ્ટ ઉદાહરણ એટલે આ ગઝલ ! શોભિતભાઈને હાર્દિક અભિનંદન!
સાજ મેવાડા
21-09-2022
પહેલો અને છેલ્લો શેર, ખૂબ ગમ્યા.
Kirtichandra Shah
21-09-2022
બની ગઈ છે છબી ગઈ સદીના ફૂલો ને ખરેખર ચોટદાર અને વાસ્તવિકતા નું ભાન કરાવનાર વાક્ય છે ધન્યવાદ
