સુખનું સરનામું આપો;
જીવનના કોઈ એક પાના પર એનો નકશો છાપો;
સુખનું સરનામું આપો.
સૌથી પહેલાં એ સમજાવો ક્યાંથી નીકળવાનું ?
કઈ તરફ આગળ વધવાનું ને ક્યાં ક્યાં વળવાનું ?
એના ઘરનો રંગ કયો છે, ક્યાં છે એનો ઝાંપો ?
ચરણ લઈને દોડું સાથે રાખું ખુલ્લી આંખો
ક્યાંક છુપાયું હોય આભમાં તો ફેલાવું પાંખો
મળતું હો જો મધદરિયે તો વહેતો મૂકું તરાપો !
કેટલા ગાઉ, જોજન, ફર્લાંગ કહો કેટલું દૂર ?
ડગ માંડું કે મારું છલાંગ, કહો કેટલું દૂર ?
મન અને મૃગજળ વચ્ચેનું અંતર કોઈ માપો.
– ડો. શ્યામલ મુનશી
છેલ્લી લાઇન ‘મન અને મૃગજળ વચ્ચેનું અંતર કોઈ માપો’ – અને કવિએ સુખનું સાચું સરનામું આપી દીધું છે ! કાશ મનને આભાસી સુખોના મૃગજળ પાછળ દોડતું રોકી શકાય તો ! તો સુખ રૂંવાડે રૂંવાડે ભરેલું છે…. જરાક કરીએ અંદર દૃષ્ટિ ! પણ એમ આટલી જલ્દી ફિલોસોફી કહી દેવાય તો પચે કોને ?
અને એટલે આ સરસ ગીત ! શબ્દો જરા લાડ લડાવે, કલ્પનો જરા મન બહેલાવે તો મન એ દિશામાં સક્રિય થાય ! એના સૂરો, સંગીત હૃદયમાં ઉતરે તો કોઈ ઝણઝણાટી જગાવે…
સાંભળો કવિના જ અવાજમાં આ ગીત
10.6.21
કાવ્ય : શ્યામલ મુનશી * સ્વરાંકન અને સ્વર : શ્યામલ મુનશી
***
છબીલભાઈ ત્રિવેદી
24-06-2021
કવિ શ્રી શ્યામલ મુનશી નુ કાવ્ય સુખ નુ સરનામુ આપો કાવ્ય ખુબજ ગમ્યું સુખ તો મન નુ કારણ છે ઘણી વખત પદાર્થો ભૌતિક સુવિધાઓ ને સુખ માનવા મા આવેછે તેસુખ મ્રુગજળ જેવુ છે અંદર થી આવતો નિજાનંદ તેસાસ્વત સુખ છે ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન
Dipak Valera
13-06-2021
ખૂબ સુંદર આધ્યાત્મિક ટચ મઝા આવી
અક્ષય શાહ
11-06-2021
કાવ્ય અને ગીત બેઉમાં ખુબ મજા પડી…
ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ
10-06-2021
ડો. કવિ શ્યામલ મુનશીએ સુખ અને મૃગજળ ને સાથે લાવીને સુખનું અં તિમ સરનામું આપી દીધું છે, ખૂબ જ ભાવવાહી ગીત રચના, સ્વરાંકન અને ગાયકી. જેટલા વખાણ કરીએ એટલા ઓછા.
ભિખેશ ભટ્ટ
10-06-2021
આ મુકામની આ સિદ્ધિ માટે ખુબ ખુબ ધન્યવાદ !
ઇંગિત મોદી
10-06-2021
વાહ….રોજ સવારે સાહિત્યનું સરનામું….કાવ્યવિશ્વ….
