શ્યામ સાધુ ~ ટૂંકા પડેલા અરીસામાં * Shyam Sadhu

ટૂંકા પડેલા અરીસામાં
વૃક્ષોની કવિતા નથી મળી આવતી !
મને અરીસામાં ટૂંકું પડે છે
એટલે મને
વેંઢારવાં પડે છે ગણી ન શકાય એટલાં
અનિશ્ચિતતાનાં વર્ષો !
આ પછી પણ
ટૂંકા પડેલા અરીસામાં

તે છતાં
વૃક્ષોની કવિતાનાં મૂળ સુધ્ધાં નથી હોતાં !
શું હું માની શકું,
ટૂંકા પડેલા અરીસા
કોઈ ઘેરી ઉદાસ એકલતાનું નામ છે ?
શું કોઈ અચાનક
તૂટી ગયેલી નાનકડી
ડાળીની ચીસ છે ?
એ જો હો તે,
આ તો ટૂંકા પડેલા અરીસામાં
તમને ઝીલી ના શક્યો એટલે
આ મન તમારા સુધી ફેલાવ્યું
અને
પહોંચાડી છે આ કવિતા…

~ શ્યામ સાધુ

ગઝલવિશ્વને રળિયાત કરનાર કવિ શ્યામ સાધુ અછાંદસ કવિતા પણ આપે છે.

અને આ છે એકલતાની કવિતા, ઉદાસીની કવિતા, પીડાની કવિતા…. વૃક્ષ, અરીસો એ બધાં બહાના…. કાવ્યની ભાષામાં કહીએ તો પ્રતીકો !

આમેય કવિના અરીસામાં એકલતા, ઉદાસી ન મળે તો જ નવાઈ !

આજે એ માનુષી એકલતામાંથી કવિની મુક્તિનો દિવસ.

આપણા સૌની સ્મૃતિવંદના   

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

4 thoughts on “શ્યામ સાધુ ~ ટૂંકા પડેલા અરીસામાં * Shyam Sadhu”

  1. ઉમેશ જોષી

    વાહ ટૂંકા પડેલા અરીસામાં…
    ખૂબ સરસ અછાંદસ…

  2. Varij Luhar

    કવિશ્રી શ્યામ સાધુની દિવ્ય ચેતનાને વંદન

  3. શ્યામ સાધુ જુનાગઢ નુ ઘરેણુ ઘણી રચનાઓ તેમણે આપી ઉદાસી ના કવિ તરીકે પ્રસિદ્ધ રૂબરુ સાંભળવા નો અવસર મળ્યો હતો તે આજે પણ યાદ છે કવિ ની ચેતના ને પ્રણામ આભાર લતાબેન

Scroll to Top