
*નહિ કરું*
આવી શકે તો આવજે, બહુ તાણ નહિ કરું,
મારી મનોદશાની તને જાણ નહિ કરું.
ભડકે ભલે બળી જતું ઇચ્છાઓનું શહેર,
તારી ગલીમાં આવીને રમખાણ નહિ કરું.
ધરતી ઉપર છું ત્યાં સુધી જોઈશ હું રાહ, પણ
ઈશ્વરને કરગરી વધુ રોકાણ નહિ કરું.
જે છે દીવાલ, તારા તરફથી તું તોડજે,
તલભાર મારી બાજુથી ભંગાણ નહિ કરું.
કિસ્સો હૃદયનો છે તો હૃદયમાં જ સાચવીશ,
પુસ્તકમાં છાપી પ્રેમનું વેચાણ નહિ કરું.
~ સંદીપ પૂજારા
હા, આટલી સ્વસ્થતાથી પણ પ્રેમની કે પ્રેમ માટે વાત થઈ શકે ! સ્વમાન સાચવીને પણ વિનંતી થઈ શકે એનું ઉદાહરણ કાવ્યમાં. મને ચોથો શેર બહુ ગમ્યો ? તમને કયો શેર વધુ ગમ્યો, નીચે કોમેન્ટમાં લખશો ?
*કારણ છે*
ખાલી ખિસ્સું જ એનું કારણ છે!
બીજું ઈચ્છાનું તો શું મારણ છે!
હસ્તગત હોય ભૂલવાની કળા,
એ જ દુઃખનું ખરું નિવારણ છે!
દરિયા જેવું કશું જ ક્યાંય નથી!
માણસે માણસે જુદા રણ છે!
જેનું કોઈ નથી એ જાણી શકે,
ખાલીપાનું વધારે ભારણ છે!
વ્યર્થ ક્યાં હોય કોઈ નિષ્ફળતા,
એ સફળતાનું એક બિયારણ છે!
કોઈનું આંસુ જો લુછે કોઈ ,
સ્વર્ગથી એ સીધું પ્રસારણ છે!
ખુબસુરત હતું જીવન આખું,
મોત વેળાનું સૌનું તારણ છે!
~ સંદીપ પૂજારા

Pingback: 🍀7 જુલાઇ અંક 3-1205🍀 - Kavyavishva.com
કવિ શ્રી ની બન્ને રચનાઓ ખુબ સરસ બધાજ શેર ખુબ ગમ્યા
વ્યર્થ ક્યાં હોય કોઈ નિષ્ફળતા,
એ સફળતાનું એક બિયારણ છે!
કોઈનું આંસુ જો લુછે કોઈ ,
સ્વર્ગથી એ સીધું પ્રસારણ છે!
👏👏👏👏👏
આભાર લતાબેન..
આનંદ આનંદ
બન્ને ગઝલ સંવેદનશીલ.
ગઝલનો મિજાજ અને રવાની પ્રત્યેક શેરમાં મોહિત કરી દે છે. દેખીતી સીધી સાદી વાતને પણ નવી ભાષા અને અભિવ્યકિત કૌશલ્યથી ગઝલકાર એટલો સુંદર શણગાર કરે છે કે આપણે ખુશ થઈ જઇએ.