કૂંપળ ફૂટયાની ~ સંધ્યા ભટ્ટ
કૂંપળ ફૂટયાની એક ઘટનાના ઉત્સવનું હોંશભેર દીધેલું કહેણ છે
સપનાઓ દોમ દોમ આંજીને બેઠેલાં કોમળ કુંવારા આ નેણ છે.
ખળખળખળ ઝરણાએ એક દિવસ અણધારી એવી કંઈ અલ્લડતા છોડી
આપણામાં વિસ્તરતી,છાનું રે છલકાતી એવી આ સરિતાનું વહેણ છે
તૂટ્યાની,ફૂટ્યાની વેદનાની માધુરી પ્રસરી છે આખા યે આયખે
સાથ સાથ લાધ્યું છે એવું યે ડહાપણ કે આ તો નહિ સાંધો નહિ રેણ છે.
વજ્જરની છાતી ભલે,થાક્યા છે પહાડો ; કે ઊભા રહેવાનો મળ્યો શાપ
નાની ને નમણી ને નિર્મળ ને નોકીલી નદીઓને વહેવાની દેણ છે.
પોતાની જાતને આયનામાં નહિ પણ સાચુકલી હોય જો નિહાળવી
ચાલ ને આ કેડી પર ખુદને મળીશ તું’ મીઠું વિધાતાનું વેણ છે.
~ સંધ્યા ભટ્ટ
‘રજોદર્શન’ પર પણ કવિતા લખી શકાય? હા. લખી શકાય. સુરત અને અનેક શહેરોમાં કામ કરતી સંસ્થા ‘બાળઉછેર દ્વારા વિશ્વશાંતિ’ ‘પેરંટીંગ ફોર પીસ’ દ્વારા સામાજિક જાગૃતિના અનેક કાર્યો થાય છે. ‘રજોદર્શનને લગતી કવિતાઓ’નું એક કવિસમ્મેલનનું આયોજન સુરતમાં આ સંસ્થાના ડો. અમી યાજ્ઞિક દ્વારા થયેલું જેમાં અનેક કવિઓએ તાજી જ કવિતાઓ રચી વાંચેલી. સંધ્યાબહેનની આ ગીતનુમા ગઝલ ખૂબ નોંધપાત્ર છે.
OP 4.10.22
