સતીશ વ્યાસ ~ પહેલી વાર * Satish Vyas * Lata Hirani

પહેલી વાર

લાઇટનું બિલ ભર્યું આજે

કપાયેલા ટેલિફોનનું

કરાવ્યું મેં કનેકશન

પહેલી વાર બેંકમાં જઇ ચેક ભર્યો

થોડાઘણા પૈસા ઉપાડ્યા મેં,

પહેલી વાર ટીકુડાની સ્કૂલમાં જઈ

અરજી કરી ફ્રીશીપની

ગઇકાલે રેશનના કાર્ડમાંથી

એક નામ કરાવીને આવી કમી

આ બધું મેં

પહેલીવાર કર્યું

તારા ગયા પછી ……..

~ સતીશ વ્યાસ

🥀🥀

જિંદગી એમ જ ચાલે છે. એ જ દિવસ-રાત, સૂર્યનું ઊગવું ને આથમવું.. એમ જ કળીઓનું ખીલવું ને ફૂલોનું હસી ઊઠવું…. ઋતુઓ આવે છે ને જાય છે. પર્ણો ખરે છે ને ડાળીઓ લંબાતી રહે છે.. પક્ષીઓના કલરવમાં કે આસપાસની ભીડભાડમાં કોઇ ફરક નથી પડતો પણ એક દિવો ઓલવાઇ જાય છે ને એક ખૂણો સૂનો પડી જાય છે. પછી ત્યાં ચેતન હોય છે પણ નથી હોતું. જીવન હોય છે પણ નથી હોતું. આશા, નિરાશા – સુખ, દુખના ઝૂલા ત્યાં ઝૂલે છે પણ કદાચ એમાં યાંત્રિકતા વધુ વરતાય છે.. કવિ સતીશ વ્યાસની આ કવિતા સાદી ને સરળ છે પણ કેટલી મર્મભેદી છે !! બહુ ઝડપથી કવિતા આગળ વધે છે ને એટલી જ ઝડપથી એ એનું રહસ્ય પણ ખોલી આપે છે.

લાઇટબિલ ભરવું, કપાયેલા ટેલિફોનના કનેકશનનું ફરીથી જોડાણ મેળવવું કે બેંકમાં ચેક ભરવો, પૈસા ઉપાડવા…. આવા કેટલાય કામો આમ જુઓ તો તદ્દન યાંત્રિક. રોજબરોજના કામોની યાદીમાંના એક.

કશુંક પણ જ્યારે પહેલી વાર થાય ત્યારે એ મોટેભાગે આનંદનો વિષય હોય. પહેલી વાર માતૃત્વ ધારણ કરવું, પહેલા બાળકનો જન્મ, બાળકને પહેલી પાપાપગલી કે કાલીઘેલી વાણી, શાળા-કોલેજનો કે નોકરીનો પહેલો દિવસ ! આવું તો કેટલુંય….. ફૂલટાઇમ ગૃહિણી તરીકે જીવતી સ્ત્રી પણ જ્યારે બહારના કામો, બેંકમાંથી પૈસા ઉપાડવા કે બીલો ભરવા જેવા કામો કરતી થાય છે ત્યારે એને આનંદ આનંદ હોય છે. એમાં પણ જેણે ઘર સંભાળવાનું જ કામ કર્યું છે એના માટે ઘરની બહાર નીકળીને કશુંક શીખ્યાનો, કર્યાનો જબરો ઉત્સાહ ને ઉમંગ હોય છે. આ જ કામો એક સ્ત્રીના માથે આમ જુદી રીતે આવે ત્યારે કેવી કરુણતા સર્જાય છે એ આ કાવ્યનો વિષય અને એમાં જ કાવ્ય છે!

કવિતાની ખૂબી ત્યાં છે અથવા કહો કે કવિની ખૂબી ત્યાં છે કે એ સાવ નકામી ને યાંત્રિક લાગતી બાબતોમાં જીવ રેડી શકે ! અને અહીં તો હૃદયને ઝકઝોરી નાખે એવી વાત એ છે કે જ્યાં એકબાજુ  જીવન નામનું તત્વ જતું રહે અને એ જ કારણ બને, નિર્જીવ લાગતી બાબતો સાથે જોડાવાનું ! કશુંક પહેલીવાર કરવાના આનંદને બદલે અહીં એ પીડાનું કારણ છે કે પીડાનું પરિણામ છે !  

એક સ્ત્રી કે જેણે આવા કામો માટે ઘરની બહાર કદી પગ નથી મૂક્યો ! ને હવે કિસ્મતે એની માથે ઠોક્યું છે. આવી જવાબદારી સંભાળનારો, આ કામો કરનારો એને અચાનક નોધારી છોડીને જતો રહ્યો છે. હવે એણે પોતાના અસ્તિત્વની લડાઈ જાતે લડવાની છે. આસપાસ લોકો હોય, મદદ પણ કરે, પરંતુ એ કેટલા દિવસ ? હવે એણે બધું શીખી લેવું પડશે ! બધા મોરચા જાતે સંભાળવા પડશે.

બેંકમાં કે અગત્યના કાગળો પર સહી કરતાં આજ સુધી જે ચાલતી હતી એ સહી એની આંખો સામે પથરાય છે ને કાગળ પરના શબ્દોની આડે એક ભીનું આવરણ રચાઈ જાય છે. લાઇટનું કનેક્શન તો પૈસા ભરવાથી જોડાઈ જશે પણ જીવનમાં જ્યાં કનેક્શન તૂટ્યું એને હવે કેમ કરીને જોડવું એ સવાલ હવે એને આખી જિંદગી પીડવાનો છે અને એનો કોઈ જવાબ ક્યારેય નથી મળવાનો ! ટીંકુડાની ફ્રીશીપની અરજી કરતી વખતે, એ ફોર્મ હાથમાં કેટલી વાર ધ્રૂજયું હશે, અક્ષરો કેટલીવાર ધુંધળા થઇ ગયા હશે, એની સામે બેઠેલા ક્લાર્કને ખબર ન જ પડે. રેશનકાર્ડમાંથી નામ કમી કરાવવું તો પડે જ…. એ હકીકત છે અને હૈયાના દસ્તાવેજમાંથી એ નામ કદી કમી ન થઈ શકે એ પણ એક બીજી હકીકત છે. નવું રેશનકાર્ડ આવશે, નવું હૈયું ક્યાંથી લાવવું ? સ્કૂલમાં ફ્રીશીપ તો મળી જશે, પીડાના પહાડમાં કોઈ કમી નહીં થઈ શકે….

આજ સુધી આવેલા સર્ટીફીકેટો ઘરમાં મઢાવીને રાખ્યા છે, ને હવે આ મરણનું સર્ટીફિકેટ ! જોઈતું જ નથી….. ડૂચો કરીને ફેંકી દેવું છે, જે નથી થઈ શકતું. ખેર… આ એક કડવી વાસ્તવિકતા છે અને એને સ્વીકાર્યા વગર છૂટકો નથી !

પોતાની વ્યક્તિના મરણનો અનુભવ લગભગ દરેકને હોય પણ અહીં એ ભાવકને હલબલાવી નાખે એવી રીતે રજૂ થયો છે….   

પ્રકાશિત @ દિવ્ય ભાસ્કર @ કાવ્યસેતુ 339 @ 10 જુલાઇ 2018

@@

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

8 thoughts on “સતીશ વ્યાસ ~ પહેલી વાર * Satish Vyas * Lata Hirani”

  1. કરુણતાનો ભાવ આખા કાવ્યમાં ઘૂંટાતો આવ્યો છે. આસ્વાદે એનો વધુ ઘેરો બનાવ્યો.

  2. kishor Barot

    હદયસ્પર્શી કાવ્યના દર્દને ઘૂંટીને ઘેરો બનાવનાર આસ્વાદ.
    બંને સર્જકો અભિનંદનના અધિકારી છે.🌹

  3. ખૂબ જ સરસ રચના અને તેવો જ હૃદયસ્પર્શી આસ્વાદ..

    કોરોના પછી પડોશી બહેનના અનુભવો અને મથામણો સાથે રહી ને અનુભવેલી, તેનો તાદ્રશ્ય ચિતાર રજૂ કર્યો હોય તેવું લાગ્યું. સતીશભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન… લતાબેન હિરાણીનો આવી સરસ રચનાઓ નજર સામે લાવવા બદલ આભાર 🙏🏼

Scroll to Top