અનુભૂતિ
કેવો લિસોટો આજ આભમાં?
હળવે જાગેલ દેવ સૂરજના સંચારે,
આઘે લસરકો અવકાશમાં,
કેવો લિસોટો આજ આભમાં!
સ્તબ્ધ આજ સૃષ્ટિની ભીની સફેદીમાં,
સૂર્યરથ જલ્દી વિહારમાં,
એનો લિસોટો આજ આભમાં!
અવની ને અંબર શણગારે સવારને
સોનેરી દામણી લલાટમાં,
એનો લિસોટો આજ આભમાં!
સૂર્યોદય લાલી લલનાને લજાવે,
લપસે કાજળ પલક પાળમાં,
એનો લિસોટો આજ આભમાં!
મહર્ષિ વ્યાસ પાસ બેઠા ગણેશજી,
રેખા દોરી હો પરિહાસમાં,
એવો લિસોટો આજ આભમાં!
સરયૂ! અનંતમાં હો રામજી રવૈયા
ને ક્ષણનો લસરકો હો ધ્યાનમાં,
એવો લિસોટો આજ આભમાં!
~ સરયૂ પરીખ
સરસ મજાનું પ્રકૃતિ કાવ્ય !

સ….રસ અભિવ્યક્તિ.
સરસ કાવ્ય ખુબ ગમ્યુ
વાહ, ખૂબ જ સરસ પ્રકૃતિ ગીત
આભના લિસોટાની જેમ વાચક ચિત્તમાં પણ તેજલિસોટો કરતું સૌંદર્ય મઢયું મધુર ગીત
પ્રિય લતાબહેન અને સાહિત્યમિત્રોનો આનંદ સાથ આભાર. સરયૂ પરીખ
આનંદ આનંદ સરયુબેન
ક્ષણના લસરકાની વાત ખૂબ ગમી. અભિનંદન.