સરુપ ધ્રુવ ~ ક્યારે, ક્યારે, ક્યારે કહોને, ક્યારે મળશે અધિકાર ?

🥀 🥀

ક્યારે, ક્યારે, ક્યારે કહોને, ક્યારે મળશે અધિકાર ?

ટૂંપી નાખે શ્વસતાં પહેલાં, જન્મ્યાં પહેલાં મારે
દીકરી દીવડી ઝાંખી પાંખી, પ્રગટ્યા પહેલાં ઠારે

લૂખો રોટલો, લૂખ્ખાં હૈયાં, દીકરી કેરા ભાણે
જીવે તો શું પામે, એ તો જગ આખુંયે જાણે

ઝીણાં ઝીણાં વણબોલેલાં દુખડાં કેવાં ભારે ?
નજરો ભૂખી ડાંસ; જે વાગે, ભૂંડુ બોલી મારે.

ઘુમટે ઢાંકે, ઘરમાં ગોંધે, લક્ષ્મણરેખા દોરે
’મર્યાદા’, ‘આમન્યા’, ‘ઘરની ઇજ્જત’ કહી હૈડું કોરે

કાઢી મૂકે, ધક્કેલી દે વાતવાતમાં ઘરની બહાર
કાચનું વાસણ, કાચો દોરો, આ તે શો સ્ત્રીનો સંસાર ?

ક્યાં જઇને કરવી ફરિયાદ ? કોને જઇ કરવો પોકાર ?
નારીનાં નરવાં જીવતરનો ક્યારે કહો, મળશે અધિકાર ?

~ સરૂપ ધ્રુવ

ભૃણહત્યા અને સ્ત્રીઓ પર થતા જુલમ, અત્યાચાર સામે આક્રોશભરી જબાનમાં લખતા કવયિત્રી સરૂપ ધ્રુવનું આ કાવ્ય એક દીકરી પર થતા જુલમને અને એને થતા અન્યાયને છાપરે ચડીને પોકારે છે. કવિતાના માધ્યમ દ્વારા કવયિત્રીનો ઇરાદો સૂતેલા લોકોને જગાડવાનો છે. એક છોકરીની / સ્ત્રીની સીધી સાદી વાત, સરળતાથી પણ પૂરા આક્રોશથી અને પૂરા જુસ્સાથી રજૂ થઈ છે.

કોણ અમારી વાત સાંભળશે અને કોણ અમને ન્યાય આપશે ? નારીને નરવા જીવતરનો કહો ને ક્યારે અધિકાર મળશે ? અત્યારે તો ક્યાંય કોઇ આરો કે સુખનું કિરણ સુદ્ધાં દેખાતું નથી !! કર્મશીલ કવયિત્રી સરુપ ધ્રુવના આ કાવ્યમાં નરી લાચારી પ્રગટે છે તો આક્રોશની જ્વાળાઓ પ્રગટાવતું એમનું જ બીજું જાણીતું કાવ્ય અહીં યાદ આવે. .

સળગતી હવાઓ શ્વસું છું હું, મિત્રો !

પથ્થરથી પથ્થર ઘસું છું હું, મિત્રો !

દિવ્ય ભાસ્કર @ કાવ્યસેતુ  82 @ 16 એપ્રિલ 2013  (ટૂંકાવીને)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

5 thoughts on “સરુપ ધ્રુવ ~ ક્યારે, ક્યારે, ક્યારે કહોને, ક્યારે મળશે અધિકાર ?”

  1. કિશોર બારોટ

    ઘણા સમયે આ રચના ફરી વાંચવા મળી તેનો આનંદ છે.

  2. ખૂબ જ વરવું આપણા સમાજનું આલેખાયું છે. હજુ પુરુષ પ્રધાન સમાજમાં આવું દેખાય છે એ ખૂબ જ દુઃખદાયક છે.

Scroll to Top