🥀🥀
*સરવાળે શૂન્ય છે*
આઠે પ્રહરનું રાવણું – સરવાળે શૂન્ય છે,
વિરાટ હો કે વામણું – સરવાળે શૂન્ય છે.
પાછળ છે સજ્જ લશ્કરો અંધારનાં અપાર
આ સૂર્ય જેવું તાપણું – સરવાળે શૂન્ય છે.
જીવન મળ્યું છે જીવવા તો મોજથી જીવો
થોડુંક હો કે હો ઘણું – સરવાળે શૂન્ય છે.
આ ઘરનો ઝળહળાટ છે ઊછીના તેજથી
થાતાં જ બંધ બારણું – સરવાળે શૂન્ય છે.
અજ્ઞાનમાં ડૂબું યા તરું જ્ઞાન-સાગરે
જગને ભણાવું યા ભણું – સરવાળે શૂન્ય છે.
પડછાયો મારો પણ કદી મારો નથી થયો
ખુદને ગણું કે અવગણું – સરવાળે શૂન્ય છે.
‘સાહિલ’ હું મર્મ આયખાનો જાણી શું કરું
સોહામણું – બિહામણું – સરવાળે શૂન્ય છે.
~ સાહિલ (29.8.1946 – 27.1.2024)
🥀🥀
*માલમને ઓળખો*
ક્યારેય તમને ક્યાં કહ્યું કે અમને ઓળખો,
જો ઓળખી શકો તો તમે – તમને ઓળખો.
સામો કિનારો લાગવાનો હાથવેંતમાં,
દરિયો અજાણ્યો હો ભલે – માલમને ઓળખો.
દૃશ્યોની પારદર્શિતાની પાર હો જવું,
તો જીવને વરેલા બધા ભ્રમને ઓળખો.
ઈશ્વર અને તમારી નિકટતા વધી જશે,
આલમના બદલે જો તમે આતમને ઓળખો.
આસાન છે સમયનાં બધાં વ્હેણ વીંધવા,
ક્યારેક તો ભીતરની ગતાગમને ઓળખો.
બુદ્ધિ અને સમજના પરિમાણ છે અલગ,
વાણીને સાંભળો અને મોઘમને ઓળખો.
જડબેસલાક બંધ કમાડો ખુલી જશે,
જો શબ્દ બદલે શબ્દની સરગમને ઓળખો.
~ સાહિલ (29.8.1946 – 27.1.2024)
કવિ સાહિલ નું મૂળ નામ પ્રવીણભાઈ શામજીભાઈ ચૌહાણ.
50 વર્ષ સતત નિરંતર ગઝલનું સર્જન કરતા કવિ સાહિલ ગુજરાતીની સાથે હિન્દીમાં પણ અનેક ગઝલ લખી છે. આના માટે તેઓ ઉર્દુ શીખ્યા.

બન્ને ગઝલો ખુબ સરસ ખુબ ગમી કવિ શ્રી ની ચેતના ને પ્રણામ
ગઝલો સરસ ઊતરી આવી છે.
ખૂબ જ સરસ ગઝલ, બંને ગઝલ વિચાર માગી લે તેવી છે.
બને રચનાઓ સુંદર અને ભાવવાહી છે
વાહ 👌👌