સિતાંશુ યશશ્ચંદ્ર  ~ જૂના સમયના * Sitanshu Yashashchandra

🥀 🥀

*ફરી પાછું વૃક્ષ*

જૂના સમયના એ તપખીરિયા થડને
હવે તો ઠીક ઠીક વરસોથી વહેરી, છોલી, ઘાટઘૂટ આપી
ઘરમાં વાપરવાનું ફર્નિચર બનાવી લીધું હતું.
ઉતાવળે જમવા બેસવાનું ટેબલ અને ખુરશીઓ,
હમણાંનાં સંબંધીઓને અને ઉપરીઓને
કાગળ લખવાનું મેજ, રોજ સાવ તાજા સમાચારો
સંભળાવતા રેડિયોને મૂકવાનું સ્ટૅન્ડ –
કૈં કેટલાયે કામની વસ્તુઓ
બનાવી લીધી હતી
જૂના સમયના એ તપખીરિયા થડમાંથી.

કંઈ કોઈ ઝંઝાવાત નહોતો થયો.
ના કોઈ વીજકડાકા.
યાદે નથી આવતું કેવું હતું એ વૃક્ષ, – વૃક્ષ?!
રમૂજ થાય ને માનીયે ના શકાય આજે તો મારાથી
કે આ ટેબલ, ખુરશીઓ, મેજ સ્ટૅન્ડ, બૂક શેલ્ફ, અભેરાઈઓ
આ બધું વળી જૂના સમયનું વૃક્ષ હતું!
મારાથી તો આજે કદાચ માનીયે ના શકાય
ને હસવું આવે.

ક્યારેક જોકે થાક્યા આવી, બરાબર જમી,
હિતેચ્છુની ભેટ રૂપે આવતા
જનકલ્યાણનો નવો અંક વાંચતાં વાંચતાં
ક્યારેક, જોકે, જાણે કે ભ્રમણા થાય
કે
આ બારણા કનેની ખુરશીના હાથામાંથી
જાંબલી રંગનું ફૂલ ખીલ્યું,
કે આ ભાષણોની નોંધના કાગળોથી છવાયલા મેજના ખાનામાં
ખાટા સવાદનું મીઠું ફળ ઝૂલ્યું,
કે આ જનકલ્યાણ અને અખંડ આનંદની ફાઈલોવાળા શેલ્ફ પરથી
અચાનક એક રાતું પંખી ઊડ્યું ને લીલી કૂંપળ ફૂટી,
કે આ રોજ પહેરવાનાં કપડાં ગડી કરીને મૂકવા બનાવેલા ખાનામાં
અણધારી વસંતનો માદક સુગંધી રસ ઝર્યો.

ને પછી વળી જરા હસવું આવે,
અને રમૂજ થાય, ને યાદ આવે
કે જૂના સમયના એ તપખીરિયા થડને
હવે તો ઠીક ઠીક વરસોથી વહેરી, છોલી, ઘાટઘૂટ આપી
ઘરમાં વાપરવાનું ફર્નિચર બનાવી લીધું છે.

~ સિતાંશુ યશશ્ચંદ્ર

વૃક્ષછેદનની આમ તો વિદારક કથા પણ હળવા હૈયે. જેને સમજાય એને વાગે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

5 thoughts on “સિતાંશુ યશશ્ચંદ્ર  ~ જૂના સમયના * Sitanshu Yashashchandra”

  1. હરીશ દાસાણી.મુંબઈ

    આત્મહનનની પીડાની કવિતા

  2. દિનેશ ડોંગરે નાદાન

    સિતાંશુભાઈની કવિતા વાંચવા અને સમજવા માટે એક સજ્જતા જોઈએ. પ્રસ્તુત કવિતામાં વૃક્ષ-છેદનની પીડા બિલકુલ હળવી શૈલીમાં સુપેરે વ્યકત થઈ છે. અભિનંદન સાહેબ.

Scroll to Top