સિતાંશુ યશશ્ચંદ્ર ~ સમુદ્ર : આસ્વાદ ~ સંજુ વાળા * Sitanshu Yashaschandra * Sanju Vala

🥀 🥀

*સમુદ્ર*

દેવો અને દાનવોએ સરળ કરી નાખ્યો
તે પહેલાંનો સમુદ્ર મેં જોયો છે.
મેં વડવાનલના પ્રકાશમાં પાણી જોયાં છે.

આગ અને ભીનાશ છૂટાં ન પાડી શકાય.
ભીંજાવું અને દાઝવું એક જ છે.
સાગરના તળિયેથી જયારે હું બહાર આવું
ત્યારે મારા હાથમાં મોતીના મૂઠા ન હોય.

હું મરજીવો નથી
હું કવિ છું.
જે છે તે કેવળ મારી આંખોમાં.

~ સિતાંશુ યશશ્ચંદ્ર

કવિની આંખમાં ઉછરતા અગાધનું કાવ્ય ~ સંજુ વાળા

સામાન્ય માણસની આંખ સીધું, સરળ અને સમયસાપેક્ષ ભાળે. સર્જકદૃષ્ટિનું દર્શન સમયાતીત અને સ્થળનિરપેક્ષ હોય. કવિતાનું કામ આવા બંધનોમાંથી મુક્તિ મેળવવાનું પણ હોય. કવિતાનું બીજું કામ ભાવકની પ્રજ્ઞામાં સ્થિર થઈ ગયેલા ત્રણે કાળને ઉલ્લંઘી જવા માટેનો માર્ગ ચીંધવાનું પણ હોય. કવિતાનું ત્રીજું કામ કોઈપણ નિશ્ચિતતાને તોડી ભાવકને અનિશ્ચિતતાના દ્વારે લઈ જઈ તેની ભાવચેતના વિસ્તાર માટે ખમી શકે એવો વિદ્યુત ઝટકો આપવાનું પણ હોય. કવિતા તેના અર્થને ઓળંગી ભાવના સીમાડા ખોલી આપે. આ કાવ્યના પ્રારંભે પણ આ થયું. સામે સમુદ્ર તો છે પણ તે બધાં રત્નો તારવી લીધા પછીનો ડ્હોળો જળરાશિ નથી. ભર્યોભાદર્યો અને અનેક સંભાવનાશાળી છે. એટલે આ સમુદ્ર તો દેવો અને દાનવો આવ્યા તે પહેલાનો છે. કહો કે આ કવિનો સમુદ્ર છે. કવિતાનો સમુદ્ર છે. પેલો ઝટકો આપવા માટેનો સમુદ્ર છે.

વડવાનલ તો એને જ કહેવાય કે જે પાણીમાં પ્રજ્વલિત હોય. આ અગ્નિની એ ખૂબી હોય છે કે એ પાણીથી ઠરવાને બદલે પાણીમાં જ પ્રગટે. વળી અહીં એક જુદી આંખ કે નવતર દર્શનની બીના એટલા માટે ઘટી કે એ આગના અજવાળે પાણી ભાળ્યાં. આગ અને પાણી આમ જુઓ તો હોવાના બે છેડા છે. પણ અસ્તિત્વના અનુભૂતિ વિસ્તારમાં તો બન્ને એક એવી ભાવઘટના છે કે જેના અહેસાસથી અસ્તિ કંઈક ધારણ કરે છે. કવિ કહે છે : દાઝવું અને ભીંજાવું એક જ છે.કેવી ગજબની આ અસ્તિસભાનતા છે. જો આમ ન થઈ શકે એમ આપણે કહીએ તો પાણીની અંદર આગ શક્ય જ નથી. પણ વડવાનલ તો હોય છે. એટલે આ આગ અને પાણી જુદા નથી. એક જ પ્રકૃતિના બે વિભાવ હોવા છતાં એનું મૂળ એક છે. એ સ્પર્શેંદ્રિયનો વિષય નહીં રહેતા પ્રજ્ઞાની પરમ સ્થિતિ બની રહે તે આ આગ અને પાણી છે. જેની ચેતના સક્રિય હોય અને ચેતોવિસ્તાર શિવની ત્રીજી આંખની જેમ ખૂલી ગયો હોય એ સ્થિતિએ જ આવું પમાય. એક વિશિષ્ટ કે માથા ફરેલ સર્જક સિવાય આમ ઉચ્ચારવું કઠિન છે.

આ પ્રતીતિની પરમ અવસ્થામાં ઝીલાયેલ એક હોવાની વાતે અથવા તો ચિત્તની આ અદ્વૈત સ્થિતિની સાખે થોડા સંદર્ભ અહીં યાદ કરવા જેવા છે. એને સાથે વાંચવાનો એક નોખો આહ્લાદ છે. આ કોઈ અનુસરણ કે અનુવાદ નથી. એક ભૂમિકાએ થતો અનુભૂતિવિસ્તાર છે. જુઓ આ સંદર્ભો:

Shadow and sunlight are the same; ‘brahms’ – Ralfh Waldo Emorson

*

And the fire and the rose are one – ‘Four Quartetes’ – T. S. eliot.

*

આલોર રહસ્યમયી સહોદરાર મતો એઈ અંધકાર’ (આ અજવાસ અને અંધકાર બંને રહસ્યમયી સહોદર છે.) ‘ નગ્ન નિર્જર હાથ ‘ – જીવનાનંદ દાસ

*

એવી મેના ને મેકરણ દોનું એક છે

એને તમે જુદાં રે નવ જાણો… આજ મારી મેના.. દાદા મેકરણ

*

ડરને અને ઈચ્છાને એક સરખો ચહેરોઘેરો’ – સિતાંશુ યશશ્ચંદ્ર

આ ઉદાહરણ કવિતાને અનેક સર્જકસાન્નિધ્યે વાંચવા-પ્રમાણવા માટે છે, નહીં કે એકબીજાના અનુસંધાન રચવા. સર્જકના અનુભૂતિવિસ્તારમાં જે સનાતન ભાવ પ્રગટે તે અહીં હો કે ત્યાં અથવા આ ભાષામા કે તે ભાષામાં, એને કોઈ સીમા નથી હોતી. વાત ચેતોવિસ્તારમાં ઝિલાતા તથ્યોની હોય છે.

કાવ્યના છેલ્લા બંધમાં સર્જકની શબ્દનિસબતની, એમ કહીએ કે સર્જકચેતનાના સમગ્ર સર્ગવિસ્તારની ભલે તીવ્ર અવાજે પણ અનુભૂતિઘોષણા છે. જેની સામે રત્નછલોછલ સમુદ્ર છે, એણે એમાં ડૂબકી પણ મારી છે પણ એની પ્રીતિ, પારમિતા કે પ્રાપ્તિ એમાં રહેલાં આ નામ-પદ-ગુણરૂપ પદાર્થની નથી. એની ધારણા કે અપેક્ષા પણ આવી કોઈ સ્થૂળ કે લૌકિક નથી. વળી અહીં એ પણ અગત્યનું છે કે એણે ડૂબકી મારી જ નથી. એ તો એમાં જ હતો, આદિ-અનાદિથી. વસ્તુ તો એ છે કે એ જ્યારે આ જે ગહન ઊંડાણમાં છે ત્યાંથી બહાર આવે ત્યારે એ શું લઈને આવે છે ? બસ આ જાણ કરવા માટેનો તો આ આખો ભાષાપ્રપંચ છે. સર્જકને એ કહેવું છે કે એ જ્યાં છે ત્યાં ટકી શું કામ રહ્યો? અથવા એણે આવા અતળ અને અગાધનું સાન્નિધ્ય કેવાં કારણસર સેવ્યું? બસ એનો જવાબ અહીં અપાયો છે અને એ બધી જ ધારણાઓની પારનો છે.

સર્જકે ન કરવાનું હોય એવું વિધાન કરવાની અહીં ફરજ પડી છે. કારણ એટલું કે જગત એને જાણતું નથી. એની સાચી ખોજની ખલકને ખબર નથી. અરે ત્યાં સુધી કહેવું પડે કે એ કોણ છે એની પણ આ સ્થૂળ અને લૌકિકતામાં જ રમમાણ દુનિયાને દરકાર જ નથી. એની પાકી પ્રતીતિ છે એટલે તો કહેવું પડે કે હે ભાળ્યું એટલું જ સત્ય છે એમ માનનાર મર્ત્ય જગત! તું એમ સમજે છે કે મારી ખોજ, મારો આ અગાધ પ્રવાસ મોતીઓની મહેચ્છા છે? તો તું હજી મને ઓળખી જ નથી શક્યો. હું કવિ છું, તું જે સમજે છે એ મારી ખોજ કે પ્રાપ્તિ ન હોય. જો ભાળી શકે અથવા તારામાં ધૈર્ય, ખંત અને ખમીર હોય તો મારી આંખોમાં જો. મારે જે જોઈતું હતું અથવા કવિ પાસે જેની ઊંડી અપેક્ષા હોય તે હું લઈને આવ્યો છું. આ ‘જે છે તે’ અને માત્ર તે જ મારું લક્ષ્ય હોય, અને તે છે.’

આપણને થાય કે કે આ કવિની આંખોમાં રહેલું જે છે તે કેવળશું હશે ? એનો જવાબ સહેલો નથી. અથવા વગર યત્ને જડે તેમ નથી. કારણ કે આપણે કવિની સર્જકચેતનામાં કે સર્જનવ્યાપારમાં ઊંડાં ઊતર્યા નથી. જો એમ થયું હોય તો કવિએ એના નિર્દેશ આપ્યા જ હોય છે. માત્ર આપણે આ કાવ્યના કવિ પૂરતી જ વાત કરીએ તો આ જે છે તે કેવળએટલે : મયૂર ઉપરથી ઉતર શારદા! સિંહ ઉપર ચઢઅથવા અવાજનાં લીલાંછમ વન તો એય ને લાંબાં ઝૂલે, સૂનકારની લાતીઓનાં તાળાં ચાવીથીયે ના ખૂલે.અથવા તો વેદના, તું અંધ ના કર; વેદના, તું નેત્ર દે.અથવા તો આ વાચા ચાલે એટલામાં મારે તને કંઈ કહેવાનું છેઅથવા તો નથી દશાનન દક્ષિણે અને ઉત્તરમાં નથી રામઆ અથવા તો.. ની યાદી લાંબી છે. અનંત છે. વ્યાપક છે. હવે એને તમે જ ઉકેલો એ ઉચિત. છતાં, કહેવું હોય તો કહીએ કે કવિની આંખમાં ઉછરતા અગાધનું આ કાવ્ય છે.

આ કવિ સાંપ્રતની અનેકાનેક રીતની ધર્મ-અર્થ-રાજસત્તાની વિભિષિકાઓ સામે તારસપ્તકે શબ્દ પ્રયોજતા કવિ તો છે જ પણ સાથે ભાષાનો પણ અનન્ય રીતે તાગ મેળવવા અને માનવમનની બહુ જ આંતરિક સપાટીએ થતી રહેતી ઝીણી-ઝીણી સંવેદનાઓની ખબર પૂછતા રહેતા સર્જક છે. આવા સર્જક આપણી ગરવી અને ગજાવાન ભાષાને સાંપડતા રહો.

@@@

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

11 thoughts on “સિતાંશુ યશશ્ચંદ્ર ~ સમુદ્ર : આસ્વાદ ~ સંજુ વાળા * Sitanshu Yashaschandra * Sanju Vala”

  1. Jigna Vohra

    વાહ…પ્રિય લેખકની ગહન રચના.
    વધુ અછાંદસ રચનાઓ વાંચવી ગમશે.

  2. સુરેશ ચંદ્ર રાવલ

    સિતાંશુભાઈની એક અદભુત રચના.. તેમની અછાંદસ રચનાઓ ખૂબ મર્મસ્પર્શી હોય છે… અને સાથે સંજુ વાળાનું અવલોકન પણ સરસ… ધન્યવાદ લતાબેન…!

  3. આભાર છબીલભાઈ, સુરેશભાઈ અને ‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા તમામ મિત્રો.

  4. હર્ષદ દવે

    સિતાંશુભાઈની સરળ લાગતી ગહન કવિતાનો ઉત્તમ રસાસ્વાદ. અભિનંદન.

  5. સંજુ વાળા

    ખૂબ ખૂબ આભાર લતાજી

    સિતાંશુ આપણી ભાષાના એક ગરવા કવિ તો છે જ પરંતુ આજે તેઓ આપણી ભાષાના ભારતીય પ્રતિનિધિ પણ છે. આ કવિની રચનાઓનાં ગોપિત સંકેતો અને ભાષાલાઘવ મમળવવાની અનોખી મઝા છે.
    અહીં કવિના એક સરસ કાવ્યના ઉઘાડને માણનાર સૌ મિત્રોનો પણ આભાર
    ધન્યવાદ

  6. સિતાંશુભાઈની રચના ઉત્તમ છે એને આસ્વાદે સરસ ઉકેલી આપી છે.

  7. નયના મહેતા

    જેવી્ સિતાંશુભાઇની રચના એવો જ સરસ આસ્વાદ…બંને સર્જક કવિઓને વંદન🙏

Scroll to Top