
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ‘કલાપી’
જન્મ : 26 જાન્યુઆરી 1874, લાઠી અવસાન : 9 જૂન 1900, લાઠી
પરિચય : લાઠી, ગોહિલવાડ, સૌરાષ્ટ્રના રાજવી
સર્જન : એમની સમગ્ર રચનાઓનો સંગ્રહ ‘કલાપીનો કેકારવ’નું કવિ કાન્તના હસ્તે મરણોત્તર પ્રકાશન થયું. એ પછી એમાંથી પસંદ કરેલા કાવ્યોનાં અનેક સંપાદનો પણ થયાં છે. કલાપીએ વર્ડઝવર્થ, શેલી, કીટ્સ વગેરેના કેટલાંક કાવ્યોનાં ભાવવાહી રૂપાંતરો ને અનુવાદો પણ કર્યા છે. એમનાં ઘણાં કાવ્યો એમના જીવનસંવેદન અને સંઘર્ષમાંથી નીપજેલાં છે. કલાપીનો જીવનસંઘર્ષ પરાકાષ્ઠાએ હતો ત્યારે સૌથી વધારે પ્રમાણમાં અને વધુ નોંધપાત્ર કાવ્યો મળ્યાં છે.
વિષયનિરુપણની બાબતમાં ‘કેકારવ’માં પ્રેમવિષયક કવિતા સૌથી વધુ ધ્યાનપાત્ર છે. કલાપીની કવિતા મુખ્યત્વે આત્મલક્ષી ઊર્મિકાવ્યના પ્રકારમાં નીપજી છે જેમાં કલાપીના 26 વર્ષના ટૂંકા આયુષ્યનાં છેલ્લા આઠેક વર્ષના અંગત પ્રેમજીવનનો જ, મોટેભાગે એમાં ચિતાર છે
કલાપીએ પ્રવાસવર્ણન, સંવાદો, અનુવાદો, ડાયરી, આત્મકથન અને પત્રો રૂપે ગદ્યલેખન પણ કર્યું છે. ૧૮૯૧-૯૨ માં કરેલા ભારતપ્રવાસ દરમિયાન પોતાના શિક્ષક નરહરિ જોશીને પત્રો રૂપે લખાયેલા ‘કાશ્મીરનો પ્રવાસ’નું જાહેર પ્રકાશન છેક ૧૯૧૨ માં ‘કાશ્મીરનો પ્રવાસ’, કલાપીના સંવાદો અને સ્વીડનબોર્ગનો ધર્મવિચાર’ એ ગ્રંથમાં થયું છે.
કલાપી નિયમિતપણે અંગત ડાયરી લખતા હોવાના તથા 1897ની આસપાસ એમણે આત્મકથા લખવાનું શરૂ કર્યાના નિર્દેશો મળે છે, પણ એમનાં આ બંને પ્રકારનાં લખાણો ક્યાંયથી પ્રાપ્ય નથી.
OP 26.1.21
