મને
કોક પાડો ફોડ એનો, કોક સમજાવો મને
હું કવિતાઓ લખું છું કે કવિતાઓ મને
કોઈ પણ રીતે સુષુપ્તિ ત્યાગવા માંગુ છું હું
ઢોલ વગડાવો અગર તો કોઈ પેટાવો મને
હું નથી, હું છું, હતો કે ના હતો, કોને ખબર !
શક્ય હો તો શકયતા સાથે જ સરખાવો મને
એક ક્ષણના છાંયડે સૂતો રહું છું મોજથી
કેમ યુગોથી સૂરજને નામ લલચાવો મને !
મધ-ભરી સાકર-કણીનું ઘેન શું જાણો તમે ?
એક અટકેલી કીડીમાં કેમ અટકાવો મને ?
~ સુરેન્દ્ર કડિયા
છેલ્લા બે શેરમાં વધારે મોજ પડી ગઈ… લગભગ મોટાભાગના મનુષ્યોનું આ સુખ !
દુખ બધું વિચારવંતોને હોય. ‘આજ’નું સુખ શું જેવું તેવું છે ?
@@
ઉઘાડીને રાખી
પ્રથમ એક બારી ઉઘાડીને રાખી,
પછી આંખ વચ્ચે લગાડીને રાખી.
ભીતરથી હતી સાવ ભીની એ ઘટના,
વળી ફૂલ વચ્ચે ડૂબાડીને રાખી.
અમે સાચવ્યો શબ્દ-વનનો મલાજો,
અમે ખૂબ કોમળ કુહાડીને રાખી.
તમે છાતીએ લહેરખીઓ લપેટી,
અને આખી મોસમ દઝાડીને રાખી.
ગઝલ એક કસ્તૂરી-મૃગ છે ખરેખર,
નથી કોઈ અફવા ઉડાડીને રાખી !
~ સુરેન્દ્ર કડિયા
કોમળ કોમળ શબ્દાવલીઓથી રચાયેલી ખૂબ મજાની નમણી ગઝલ

બન્ને ગઝલો ખૂબ સરસ છે
ખૂબ ખૂબ સરસ છે બન્ને ગઝલ.
અભિનંદન.
બંને ગઝલો મનભાવન
બન્ને રચનાઓ ખુબ સરસ
ખૂબ જ સરસ ગઝલો
શ્રી સુરેન્દ્ર કડિયાની બંને ઝલ અદ્ભુત ..