🥀🥀
*સાંભળું*
એક તારો સ્વર મળે તો સાંભળું,
ક્યાંય પણ ઇશ્વર મળે તો સાંભળું.
કોસનો કલવર ને તારું ટહૂકવું,
આપણું ખેતર મળે તો સાંભળું.
પાતળી રેખા સમજની છે છતાં,
મર્મના અક્ષર મળે તો સાંભળું.
સાદ ગોરંભાય છે શમણા રૂપે,
પાછલી ઉમ્મર મળે તો સાંભળું.
એક વિતેલા સમયની વારતા
નાનું સરખું ઘર મળે તો સાંભળું.
~ સુરેન ઠાકર ‘મેહુલ’ (30.7.1942 – 27.7.2022)
જન્મદિને કવિને સ્મૃતિવંદના
*શું અચાનક સાંભર્યુ છે*
શું અચાનક સાંભર્યુ છે કોઈનું હોવાપણું
કેમ અણધાર્યુ સતાવે છે મને સંભારણું.
શક્યતા ના હો છતાં પણ સાંભરું છું હું કદી?
યાદ આવે છે તને આભાસી ઘરનું આંગણું?
ઓ પ્રવાસી! આવી એકલતા કદી સાલી નથી
હું દીવાલે લીંટીઓ દોરી, નિસાસાઓ ગણું.
એકધારું આજ તો વરસ્યા છે ગુલમ્હોરો અહીં
એક શ્વાસે આજ તો હું પી ગયો છું પણ ઘણું.
કોઈ વીતેલો દિવસ જો સાંભરે તો આવજે
સાવ રસ્તામાં જ છે છોડી દીધેલું પરગણું.
સાવ સીધી વાત છે તારા સવાલોની વ્યથા
એક ઊંડું દર્દ જે વ્હોરી લીધું છે આપણું.
આજ લાગે છે કે થોડી હૂંફ હોવી જોઈએ
ચાલ ‘મેહુલ’ ઘર જલાવીને કરીએ તાપણું.
~ સુરેન ઠાકર ‘મેહુલ’ (30.7.1942 – 27.7.2022)

વાહ, સુરેન ઠાકર ‘ મેહુલ ‘ જીની બન્ને ગઝલો ખૂબ ગમી.ખૂબ અભિનંદન.
સરસ રચનાઓ 👌🏻👌🏻
વાહ, ગઝલો સુંદર, અભિવ્યક્તિ સરસ. સ્મૃતિ વંદન.
સ્મરણ વંદના..
બન્ને ગઝલ ખુબ સરસ જન્મદિવસ ની શુભ કામના