સુરેશચંદ્ર પંડિત ~ કેટલાક શેર & ગઝલ * Sureshchandra Pandit

કેટલાક સ્મરણીય શેર

સમય ફેરવે શૂન્ય પડખાં મુસાફિર,
ચલે શ્વાસના એમ ચરખા મુસાફિર***

બાંધું તો બાંધી ના શકું, છોડું તો ના છૂટે,
તારાં સ્મરણનો કોઈ સમન્વય થતો નથી.***

જળકમળ જેવું જ કૈં સગપણ હતું તે ક્યાં ગયું?
બેઉ વચ્ચે પારદર્શક રણ હતું તે ક્યાં ગયું?***

પત્ર પણ લખવો નથી ગમતો વિષાદી કાળમાં
ને સ્મરણ- વણઝાર ચારેકોરથી ઘેરી વળે.***

નદીનું નામ ન લો, ખીણમાં ન સાદ કરો,
વીતેલી સાંજ બધી એ રીતે ન યાદ કરો***

યાદ રાખ: જળતરંગ જેમ હું હતો,
ભૂલી જા કે તરબતર  કરી ગયો મને.***

કશા અન્ય સ્થળ પર ન શોધીશ એને,
કબીર તારી ઝીણી ચદરિયા ગમે છે***

થોડી ઉદાસીઓનું ગુલમહોર નામ છે,
થોડી ઉદાસીઓને ઝાકળ કહી શકો***

માન્યતા આપો નવી તારીખને,
રોજનીશીમાં  નવો ફકરો પડે***

~ સુરેશચંદ્ર પંડિત

રસ્તો હતો

નીંદમાં એક સોનેરી રસ્તો હતો
મારા બિસ્તરમાં સપનાનો ઢગલો હતો.

ત્યારે મનમાં હતાં આસમાની કિરણ
હું તો તમને જ દરિયો સમજતો હતો.

ખોટી વાતોમાં અમુલ બેઠાં હતાં
સામે વરસાદ ધીમો વરસતો હતો.

પત્ર આખો શિખામણથી ભરપુર હતો
છેલ્લે મહોબતનો કમનીય ફકરો હતો.

એ તો રંગીન શરબતની દુનિયા હતી
સાવ કારણ વગર હું તરસતો હતો.

~ સુરેશચંદ્ર પંડિત (6.6.1950 – 16.10.2023)

અલવિદા કવિ સુરેશચંદ્ર પંડિત !

કાવ્યસંગ્રહો : 1. ગુલબંકી : 1982   2. પ્રણયમંત્ર: 1998  

3. કામિલ : 2010

ગુજરાતી ગઝલ ક્ષેત્રે બે પંડિતનું પ્રદાન પ્રશંસનીય રહ્યું. એક તે સ્વ.કૈલાસ પંડિત અને બીજા તે આ રાજકોટવાસી (હવે સ્વ.) સુરેશચંદ્ર પંડિત.

નરસૈયાની નગરી જૂનાગઢ ખાતે 6 જૂન,1950 ના રોજ જન્મેલ શ્રી સુરેશચંદ્ર અનંતપ્રસાદ પંડિતનો પરિવાર બાદમાં રાજકોટ ખાતે  સ્થાયી થયેલ. આ કવિજીવને ક્યાંય સ્થિર થવું ગોઠ્યું નહીં. આજીવન છૂટક છૂટક નોકરી/ટ્યૂશન કરનાર આ કવિ ભાવે/સ્વભાવે અલગારી,ઓલિયો ફકીર !

છવાઈ જવાની ઘેલછાથી વેગળા રહીને આ ‘મસ્તફકીર’ કવિ નિજાનંદપૂર્વક, છાનેખૂણે પલાંઠી વાળીને પોતીકી ઢબે પાંચ પાંચ દાયકાઓ સુધી કવિતાસર્જન કરતા રહ્યા. રાજકોટની સુખ્યાત ‘સાહિત્યિક અભિગમની સંસ્થા : વ્યંજના’ સાથે જોડાયેલ રહીને સુરેશચંદ્ર પંડિતે કલાવર્તુળમાં પોતીકું નિરાળું સ્થાન પ્રાપ્ત કરેલ.

પંડિતજી એક કુશળ કવિ ઉપરાંત સુસજ્જ વાંસળીવાદક પણ જબરા ! આંખો મીંચીને

વાંસળીના છિદ્રો પર આંગળીઓ ફેરવતા અને ફૂંક મારીને  તલ્લીનતાપૂર્વક  વાંસળી વગાડતા તેમને જોવા અને માણવા એ એક લ્હાવો હતો. એ સ્વયં કહેતા વટપૂર્વક, “હું વાંસળીવાદક પણ ખરો ને ? “

સીધી સરળ બાનીમાં ઊંડાણ અને ઊંચાઈનો સંસ્પર્શ કરાવતી સુરેશચંદ્ર પંડિતની ગઝલોમાં નવતાપૂર્ણ રદીફ/કાફિયાનો કસબ અને તાજગીપૂર્ણ ભાવ-ભાષાનું સૌન્દર્ય સહુને આકર્ષિત કરતું રહયું.

~ આર.પી.જોશી રાજકોટ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

2 thoughts on “સુરેશચંદ્ર પંડિત ~ કેટલાક શેર & ગઝલ * Sureshchandra Pandit”

  1. હરીશ દાસાણી

    કવિ સુરેશ પંડિતને અર્પિત શ્રદ્ધાસુમન

  2. 'સાજ' મેવાડા

    પ્રભુ એમના પવિત્ર આત્માને શાંતિ બક્ષે.

Scroll to Top