🥀🥀
ગગનને ઓછું આવે તો નવા તારા કરી લે છે,
સ્વયંની ગોદમાં ઝગમગતા ઝબકારા કરી લે છે.
સમંદરના કિનારા ચાંદની ચોરીને બેઠા છે,
નથી પૂછતા કોઈને ચાંદ પરબારા કરી લે છે.
અમસ્થો હું નથી કહેતો હવે મોસમ મજાની છે,
ફૂલોની બાગબાની મ્હેકના ભારા કરી લે છે.
તમારી ચાલબાજીનો ભલા અફસોસ શું કરવો,
જરૂર પડ્યે સમય પણ મૂલ્ય બેધારાં કરી લે છે.
કહો કેવી રીતે આલેખું નકશામાં એ રમણીને,
રમત રમતી નદી રૂપેરી સેલ્લારા કરી લે છે.
તરસને ભેદ શો ભ્રમણા ને વાસ્તવિકતા વચ્ચે,
તરસ ક્યારેક તો મૃગજળના સથવારા કરી લે છે.
નહીં સમજી શકે એને જગતનો મામલો ફક્કડ,
ગગનથી ગુફતગૂ, બે વાત મિનારા કરી લે છે.
~ સુરેશચંદ્ર પંડિત
પહેલી જ પંક્તિ – ‘ગગનને ઓછું આવે તો…. ‘ વાહ ગમી ગયું આ કલ્પન….

વાહ ખુબ સરસ રચના ખુબ ગમી
સ્વ.કવિમિત્ર સુરેશચંદ્ર પંડિતની આ આખી ગઝલ ખૂબ રમણીય અને તરોતાજા છે.આજે પણ એના પ્રત્યેક શેર જીવંત લાગે છે.એમનો શબ્દ તેજોમય છે.રમત રમતી નદી રૂપેરી સેલ્લારા કરી લે છે.પણ આપણને વિચારતા કરી દે છે.કાવ્યવિશ્વ પર આજે સ્વ.સુરેશચંદ્ર પંડિતને પ્રસ્તુત કરવા માટે લતાબેન આપને પણ ધન્યવાદ.🌹
આપનું નામ જાણી શકું ?
ખૂબ સરસ ગઝલ
વાહ, ખૂબ જ સરસ ગઝલ.