કાચ સરીખા છે વ્હેવાર અહીં…!
ક્ષણભરમાં તૂટે ઘરબ્હાર અહીં…!
રાત દિ’ છે આકાશી હોનારત ..!
નાખુદા છે ખુદ મઝધાર અહીં …!
ગણવા જાઉં તોય ગણાય નહીં .!
ખૂટ્યાં અંજળ ને ધબકાર અહીં..!
ના તેં જોયો ના મેં પણ તેને…!
ટીલાં ટપકાંથી છે પાર અહીં..!
કહેવા કહેવામાં પણ ભેદ ભરમ…!
મ્યાન વગરની સૌ તલવાર અહીં…!
ક્યાં કોઈ પનિહારી દેખાય અહીં ….?
છે જળ વિનાનાં પગથાર અહીં…!
ના બેડા ના પાણીયારાં અહિ..!
ફ્રિજવાસીઓના અવતાર અહીં…!
મૃગજળનું છે બસ તરકટ સઘળે…!
રણ પણ ડૂબાડે પતવાર અહીં…!
– સુરેશ’ચંદ્ર’ રાવલ
કવિએ ગઝલનું શીર્ષક ‘મઝધાર’ આપ્યું છે, શેર એક પછી એક વહેણની જેમ વહ્યા જાય છે. સીધી વાત અને સરળ બાની. પહેલા શેરમાં આલેખાયેલી સંબંધોની તૂટ-ફૂટ ‘મ્યાન વગરની તલવાર’માં કાચની જેમ વાગે છે, અસરકારક બની છે. અને પછી વિચિત્રતાઓનું વૈવિધ્ય…
કવિ અછાંદસમાં પણ સારું કામ કરી રહ્યાં છે.
4.3.21
***
સુરેશ જાની
13-04-2021
સામ્પ્રત જીવનની દરિદ્રતાનું કરૂણ ચિત્રણ
Purushottam Mevada Saaj
13-04-2021
સુરેશ ‘ચંન્દ્ર’ ની ગઝલ ખૂબ સરસ.
ચંદ્રકાંત ધલ
13-04-2021
સુરેશ’ચંદ્ર’ની સુંદર ગઝલ. મજબૂત મત્લા અને પાણીદાર છેલ્લા શેર વચ્ચે વિવિધ ભાવ વિશ્વમાં વહેતી ગઝલ ઠંડી છાલકો પ્રત્યેક શેરમાં મારતી જાય છે. અભિનંદન.
