છંદ – વસંતતિલકા (શેકસ્પિયરશાયી સોનેટ)
વાતો સમીર વીંઝતો અતિ ઉષ્ણ જ્વાળા
આદિત્ય આગ ઝરતો અરિ-આંખ કા’ઢે.
પૃથ્વી તણાં રજકણો શમશેર ભાસે
દાઝે બધાંય જન આ અસુરી પ્રતાપે.
વૃક્ષો પસારી લીલુડી રમણીય છાયા
શાતા પમાડી સહુને કમનીય ભાસે
વારિ નદી, સર તણાં, સઘળાં વહે છે
નીલાં, રસાળ, મનની તરસો છીપે છે.
ઉદધિ સમાવી ઉરમાં સઘળા વિતાપો
પ્રગટાવતો પરમ શીતળ વાદળીઓ
ઘનઘોર વાદળ નભે ગરજે ન કો’દી
જો ભાનુ આગ ઝરતો ન કદીય ઊગે.
વિકરાળ ને વિકટ માનવ જિંદગીમાં
શ્રમ-તાપથી ઊભરતાં સુખ, ચેન, શાતા.
– સુરેશ જાની
(ગાગાલ ગાલ, લલગા, લલગા લગાગા)
‘ગ્રીષ્મ’ સોનેટમાં કવિએ ગ્રીષ્મનું રસભર્યું વર્ણન આપ્યું છે અને આબેહૂબ ઉનાળાનો ચિતાર આપ્યો છે.
‘આદિત્ય આગ ઝરતો અરિ-આંખ કા’ઢે’ પંક્તિમાં‘અરિ-આંખ’ પ્રયોગ ધ્યાન ખેંચે એવો થયો છે. એવી રીતે સરોવર માટે ‘સર’ શબ્દ પણ કવિકર્મની કુશળતા બતાવે છે. માત્ર વર્ણન જ ન આપતાં ત્રીજા બંધમાં ગ્રીષ્મની જરૂરિયાત પણ કાવ્યમય સૌંદર્ય સાથે દર્શાવાઈ છે. આખાયે સોનેટની પદાવલિ કલાપીના સમયની યાદ આપે છે.
અમેરીકામાં વસતા સુરેશભાઇ નિવૃત્ત થયા પછી નેટવિશ્વમાં સક્રિય થયા. અનેક વિષયોના તેઓ બ્લોગ ચલાવે છે. બ્લોગિંગમાં કદાચ એમનો રેકોર્ડ હશે ! એમનો ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ તમામ ગુજરાતીઓ માટે ગૌરવ સમો છે. કવિ-લેખક સહિત ગુજરાતી પ્રતિભાઓ વિશે માહિતી જોઈતી હોય તો આ બ્લોગ પર મળે ! એમના અનેક બ્લોગ વિશે પણ અહીંથી માહિતી મળશે. https://sureshbjani.wordpress.com/ એંસીની આસપાસ પહોંચ્યા હોવા છતાં નવા કામો માટેનો એમનો તરવરાટ યુવાનને શરમાવે એવો હોય છે.
ટેકનિકલ બાબતોમાં ‘કાવ્યવિશ્વ’ માટે સદાય એમની મદદ હોય છે. આભાર સુરેશભાઇ.
26.5.21
***
Sarla Sutaria
08-07-2021
પર્યાવરણ સંબંધિત સુંદર મજાનું સોનેટ ???
Chirag Patel
27-05-2021
ghani saras abhivyakti
pragnaju
27-05-2021
ગ્રીષ્મ સ રસ’ સોનેટ
વિકરાળ ને વિકટ માનવ જિંદગીમાં
શ્રમ-તાપથી ઊભરતાં સુખ, ચેન, શાતા.
વાહ
ઋચા જાની
26-05-2021
ખૂબ સુંદર રચના.
સુરેશ જાની
26-05-2021
આ કવિતા વિડિયો સ્વરૂપે , છંદ / સોનેટ સમજ સાથે અહીં –
https://youtu.be/-jENNJA4rec
સુરેશ જાની
26-05-2021
કવિઓની સભામાં આ નિશાળિયો ના શોભે ! ૨૦૦૬ થી ૨૦૧૦ ના ગાળામાં માનનીય શ્રી. જુગલકિશોર વ્યાસની દોરવણીથી આવાં કવિતડાં લખવા પ્રયાસ કરેલો. પણ છંદમાં કે સોનેટ જેવા લાંબા કાવ્ય પ્રકાર બહુ મહેનત માંગી લે છે. ઈજનેર ગર્ભ નાળ હોવાના કારણે (!) નિયમબદ્ધતા માટે આગ્રહ . આથી એ મજૂરી છોડી ગદ્ય તરફ વળ્યો . પછી એ કુછંદ કે ધખારો બરાબર વળગ્યો !
આથી જ …
કવિઓની આ સભામાં આ જણ ન શોભે.
ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ
26-05-2021
સોનેટ ઓછાં લખાય છે, આવા સમયે એકાદ આવું સરસ પ્રકૃતિ કાવ્ય સોનેટ રુપમાં મળે ત્યારે કવિ બ.ક. ઠાકોર યાદ આવી જાય. સરસ અને છંદની પસંદગી પણ.
