સૌમ્ય જોશી ~ આંખ બીડી * Saumya Joshi

આંખ બીડી ~ સૌમ્ય જોશી

આંખ બીડી હાથ બે ભેગા કરી;
એક ઈચ્છા આવવાને કરગરી.

બહાર નીકળીને પ્રવાહી થા હવે,
ઘટ્ટ ઘન આંસુની તીણી કાંકરી.

ખ્વાબમાં પણ રિક્તતાઓ છે હવે
ઓ હકીકત કઈ રીતે તું સંચરી.

ચોતરફ રખડ્યો ને ક્યાંય ના મળી,
એક પણ છાંટા વગરની એક છરી.

આઠદસ મહોરાંઓ પહેર્યાં કેમ તેં ?
એ ભલા માણસ તું માણસ છે કે હરિ ?

~ સૌમ્ય જોશી

એકેએક શેર દાદને લાયક પણ બીજા શેરનું કલ્પન અત્યંત ગમ્યું. આંસુને વહેવા માટે કવિ જે કહે છે એમાં પીડા કેવી બખૂબી આવીને બેઠી છે ! આંસુ ક્યાં, ‘કાંકરી’ છે ! વાહ…. એવું જ છેલ્લા શેરનું !

OP 5.7.22

***

સાજ મેવાડા

05-07-2022

વાહ, ખૂબ સરસ ગઝલ.

હરીશ દાસાણી.મુંબઈ

05-07-2022

સૌમ્યની ગઝલના દરેક શેર પાસે ઊભા રહી જવું પડે. ઓછા શબ્દોમાં બળકટ અભિવ્યકિત.

છબીલભાઈ ત્રિવેદી

05-07-2022

ખુબ સરસ રચના બધા શેર સરસ આપે કહ્યું તેમ બીજા શેર નુ કલ્પન અતિ સુંદર આભાર લતાબેન

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top