એવો આવ્યો રે આવ્યો રે અસવાર….
જેના હાથમાં રમે છે મારા મનની ઘૂઘરીઓ !
જેના ઢોલથી ઝબુકે મારા પગની વીજળીઓ !
એવો આવ્યો રે આવ્યો, અસવાર રે,
હું એની ડમરીની ધૂળ બની જઉં, એ તાલ દે અને હું તાલી દઉં !
એણે મૂંગા ભૂંગામાં પાડી ધાડ રે !
એણે મીઠાના રણમાં વાવ્યું ઝાડ રે,
એણે સપના રાંધ્યા હું બેઠી ખઉં,
એવો આવ્યો રે આવ્યો રે અસવાર….
હું એની ડમરીની ધૂળ બની જઉં, એ તાલ દે અને હું તાલી દઉં !
એણે ચાલતી ન’તી હું તો ય આંતરી,
મારે છેતરાવું’તું એવી છેતરી !
એણે પગલી પાડી હું કેડી થઉં !
એવો આવ્યો રે આવ્યો અસવાર રે,
હું એની ડમરીની ધૂળ બની જઉં, એ તાલ દે અને હું તાલી દઉં !
– સૌમ્ય જોશી
કવિ, સ્ક્રીપ્ટ રાઇટર અને થિયેટર સાથે સંપૂર્ણપણે જોડાયેલા શ્રી સૌમ્ય જોશીનો આજે જન્મદિવસ અને એકેએક ગુજરાતી જેમના માટે ગૌરવ લઈ શકે એવી શ્રી સૌમ્ય જોશીની અદભૂત ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ યાદ કરવી જ પડે. 66મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો રાષ્ટ્રીય એવોર્ડ જીતનાર આ પ્રથમ ગુજરાતી ફિલ્મ. 50મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં ભારતીય પેનોરમા ખાતે તેની સત્તાવાર પસંદગી કરવામાં આવી હતી. ફિલ્મ મહોત્સવમાં ડાયરેક્ટરની પ્રથમ શ્રેષ્ઠ ફિલ્મ તરીકે પણ પસંદગી પામી. આ ફિલ્મમાં અભિનય કરનાર તેર અભિનેત્રીઓએ પણ વિશેષ જયુરી એવોર્ડ મળ્યો.
કવિ સૌમ્ય જોશીના યાદગાર અને યશસ્વી નાટકોમાં ‘વેલકમ જિંદગી’ ‘102 નોટ આઉટ’ ‘રમી લો ને યાર’ ‘દોસ્ત ચોક્કસ અહીં એક નગર વસતું હતું’ના નામો લેવા જ પડે.
અને જેમાં અમિતાભ બચ્ચને અભિનય કર્યો એ હિન્દી ફિલ્મ ‘102 નોટ આઉટ’ !
‘હેલ્લારો’ ફિલ્મનું આ ગીત ‘એવો આવ્યો રે અસવાર’ સાંભળીએ.
સૌમ્ય જોશી: અસવાર ફિલ્મ હેલ્લારો સંગીત : મેહુલ સુરતી સ્વર : ઐશ્વર્યા રાય, મુરાલાલ મારવાડા
3.7.21
***
ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ
04-07-2021
હૈલ્લારો મૂવી જોઈ ને સૌમ્યજીની સંવેદના પર વારી ગયો હતો નાત જાતની બદી ને એ બેખૂબી રજૂ કરે છે. ગીતની કોરીઓગ્રાફી અને સ્ત્રીઓનો વેદના વંટોળ જે રીતે ઝીલાયો છે એ ખૂબ જ સરાહનીય અને સુંદર છે.
છબીલભાઈ ત્રિવેદી
03-07-2021
શ્રી સૌમ્યજોશી ના જન્મદિન નિમિત્તે તેમનુ ગીત ખુબજ સુન્દર, હેલ્લારો ફિલ્મે ગુજરાતી ફિલ્મ ની સુગ ધરાવતા લોકો નેપણ ફિલ્મ જોવા મજબુર કર્યા ખુબ ખુબ અભિનંદન સાથે આભાર લતાબેન
Sarla Sutaria
03-07-2021
*મારે છેતરાવું’તું એવી છેતરી* કહીને કવિએ કાવ્યની અનોખી માવજત કરી છે. ખૂબ સુંદર રચના ??
રેખાબેન ભટ્ટ
03-07-2021
સૌમ્ય જોશીને જન્મદિવસની શુભકામનાઓ ?proud of you.
પ્રફુલ્લ પંડ્યા
03-07-2021
વાહ,વાહ ! એક ગીત બરાબર કેટલાં દ્રશ્યો ! કલાસિકલ ફૉક સોન્ગ ! કાવ્યેષુ નાટકમ્ રમ્યમ્ ! ની પ્રતિતી કરાવતું ગીત !”હેલ્લારો”નાં સર્જક અને કવિશ્રી સૌમ્ય જોશી પર આફરિન ! આખું ગીત ભાષાનાં વિવિધ સ્તરોએ પણ નાચતું કૂદતું ઊતરી આવ્યું છે.મજાની અનુભૂતિ !
પ્રફુલ્લ પંડ્યા
