સ્નેહલ નિમાવત ~ મનમાં વસેલો મોર * Snehal Nimavat  

મનમાં વસેલો મોર

આપણા મનમાં વસેલો મોર છે
એમના મનમાં ઉગેલા થોર છે

સત્યના સૌ સૂર્ય ઝાંખા થઇ ગયા
આ બપોરો એટલે ઘનઘોર છે

કોઇનામાં રામ દેખાતા નથી
આપણી પાસે તો થોડા બોર છે

રક્તરંજીત છે આ આખું આયખું
આ સમયના ખૂબ લાંબા ન્હોર છે

હો રજા ને તોય પણ આવે નહીં
એમના તો ખૂબ જબરા તોર છે

વરવધુનો ક્યાંય પણ પત્તો નથી
ક્યારના આવીને બેઠા ગોર છે

વસ્ત્ર છોને સાવ જૂના થઇ ગયા
આપણા સપનાં નવાનકોર છે…

~ સ્નેહલ નિમાવત

સ્નેહલ નિમાવત કવિતામાં સારું કામ કરે છે. ‘જયહિન્દ’ દૈનિકમાં નિયમિત કૉલમ લખે છે.

ગઝલનું આ લક્ષણ છે કે દરેક શેર સ્વતંત્ર, અલગ ભાવ લઈને આવી શકે. ‘રક્તરંજીત છે આ આખું આયખું, આ સમયના ખૂબ લાંબા ન્હોર છે’ આ શેર પીડાથી ભરેલો છે તો આ બીજો શેર ‘વસ્ત્ર છોને સાવ જૂના થઇ ગયા, આપણાં સપનાં નવાનકોર છે’ ઉમંગ લઈને આવે છે. હાસ્ય પણ આ જ ગઝલમાં સમાવી લીધું છે, ‘વરવધુનો ક્યાંય પણ પત્તો નથી, ક્યારના આવીને બેઠા ગોર છે’

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

8 thoughts on “સ્નેહલ નિમાવત ~ મનમાં વસેલો મોર * Snehal Nimavat  ”

  1. એક જ ગઝલમાં જુદા જુદા ભવો ને વ્યક્ત કરતી સરસ ગઝલ. અભિનંદન.

  2. સ્નેહલ નિમાવતની ગઝલનો એક એક શેર ગમ્યો.. એમની અન્ય ગઝલ અને કવિતાઓ પણ વાંચીશ . અભિનંદન

  3. Snehal Nimavat

    ખૂબ ખૂબ આભાર લતાબેન મારી ગઝલની ખૂબ સરસ પ્રસ્તુતી કરવા માટે..

  4. Snehal Nimavat

    કાવ્ય વિશ્વમાં મારી ગઝલને લાઈક અને કૉમેન્ટ કરનાર સૌની આભારી છુ. મીનલબેન, છબીલભાઈ, Anonymous, પ્રશાંતભાઈ ગોંડલીયા, પ્રશાંતભાઈ સોમાણી અને મેઘાનો આભાર.😊🙏🏻

Scroll to Top