સ્નેહી પરમાર ~ એવાં છે

એકનાં બે ન થાય એવાં છે.

તોય મોહી પડાય એવાં છે.

હાથ ઝાલે તો એના આધારે,

ઊંચે ઊડી શકાય એવાં છે.

ખૂબ ટૂંકો પનો છે ચાદરનો,

તોય એમાં સમાય એવાં છે.

માર્ગ કેવા છે એની ઝુલ્ફોના ?

હાથ સોનાના થાય એવા છે.

એની સાથેના અણબનાવો પણ

એક તોરણ ગુંથાય એવા છે.

– સ્નેહી પરમાર

મહોબતનો માંડવો

‘ગઝલ એટલે પ્રિયા સાથેની વાતચીત’- ગઝલની આ પરંપરાગત વ્યાખ્યા છે. શાયરે આ વ્યાખ્યાને સાચી પાડી છે, વળી પોતાના નામને પણ સાચું પાડ્યું છે.

જેને વિશે આ ગઝલ લખાઈ છે તેને ‘સખી,’ ‘પ્રિયા,’ ‘સનમ’ એવું કોઈ નામ અપાયું નથી- ખજાનો તો ઊંડે ઊંડે દાટવો પડે! તે વ્યક્તિની સમીપ જવાની ઇચ્છા ખરી, પણ સંબંધ હજી બંધાયો નથી, માટે તેનો ઉલ્લેખ તુંકારે નહિ પણ માનાર્થે કર્યો છે. શાયર પોતાને ગમતી વ્યક્તિનું વર્ણન મિત્ર પાસે (વાચક પણ મિત્ર તો ખરોને) કરે છે. શાયરનાં મનનાં માનેલ ‘એકનાં બે ન થાય એવાં છે.’ ધાર્યું જ કરે એવી સ્ત્રીને સંસ્કૃતમાં ‘માનુનિ’ કે ‘મનસ્વિની’ કહે છે. આ ઓજસ્વિતાનો ગુણ છે. છીપલાં કાંઠે મળે પણ મોતી પામવા તો તળિયે જવું પડે.

આ ગઝલ મુસલસલ (સૌ શેરનો વિષય/ભાવ સમાન હોય તેવી) અને મુરસ્સા (સૌ શેર સારા હોય તેવી) છે. શાયરને અભિનંદન. ~ ઉદયન ઠક્કર

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

6 thoughts on “સ્નેહી પરમાર ~ એવાં છે”

  1. હરીશ દાસાણી.મુંબઈ

    અણબનાવો પણ તોરણ બને!કેવી અનોખી અદા છે! तेरे जुल्मो सितम-सर आंखो पर

  2. ઉમેશ જોષી

    કવિ સ્નેહી પરમારની ખૂબ સરસ ગઝલ છે.

  3. કવિ સ્નેહી પરમારની ગઝલના તમામ શેર દાદ આપવી પડે તેવા. 💐💐

  4. દિનેશ ડોંગરે નાદાન

    કોઈ પણ સંબોધન વગર પ્રિયપાત્રને ઉદ્દેશીને લખાયેલી ગઝલ મિત્ર સ્નેહની ગઝલ નિષ્ઠાનું પ્રમાણ છે.

Scroll to Top