કોઈનું પણ આંસુ લૂછ્યું હોય, તે બેસે અહીં,
ને પછી છાતીમાં દુઃખ્યું હોય, તે બેસે અહીં.
હાથ વચ્ચે નામ ઘૂંટ્યું હોય તે બેસે અહીં,
ને અદબથી એને ભૂસ્યું હોય તે બેસે અહીં.
સૂર્ય તપતો હોય એનો મધ્યમાં ને તે છતાં,
કોઈનાં ચરણોમાં ઝૂક્યું હોય, તે બેસે અહીં.
હાથ પોતાનોય બીજો જાણવા પામે નહીં,
કીડિયારું એમ પૂર્યું હોય તે બેસે અહીં.
એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું ?
એટલું પોતાને પૂછ્યું હોય તે બેસે અહીં.
જે ક્ષણે પોતાને પૂછ્યું હોય-ની બીજી ક્ષણે,
આ સભામાંથી જે ઊઠ્યું હોય, તે બેસે અહીં. – સ્નેહી પરમાર
કવિએ શીર્ષક આપ્યું છે, ‘સભાપાત્રતાની ગઝલ’. સભામાં કોણ બેસી શકે એના જવાબમાં કવિએ માણસાઈના ઉચ્ચતમ શિખરોના ધોરણ આપ્યાં છે. ‘જીવન’ એટલે શું કે ‘જીવવાનો અર્થ એટલે શું’ – એ કહેવામાં, વર્ણવવામાં એકેય ધર્મ કે એકેય ઋષિમુનિ-સાધુસંત પાછા નહીં પડ્યા હોય અને એ તમામ ઉપદેશોનો અર્ક ‘માનવતા’ કે ‘કરુણા’ના ખાતામાં બેધડક મૂકી શકાય. પણ… એ માનવતાને સમજાવવા બેસવું હોય તો વળી સેંકડો ઉદાહરણો કે પૃષ્ઠોના પૃષ્ઠો જોઈએ…. આ એક ગઝલ માણસાઈને હૈયાસોંસરવું ઉતરી જાય એ રીતે માત્ર છ શેરમાં સમજાવી દે છે. અરે, બીજા શેરમાં કવિએ પ્રેમની પ્રેમીજનની વાત કરી છે અને એક જ શેરમાં કેટલી સુંદર રીતે પ્રેમની ગરિમા સમજાવી દીધી છે ! પ્રેમને સમજાવવા માટે આનાથી વિશેષ એક શબ્દ પણ જોઈએ ખરો ? આખીયે ગઝલ અદભૂત ! અને છેલ્લા શેર માટે સલામ કવિ !
નીચે મયૂર ચૌહાણે ગાયેલી આ ગઝલ પ્રસ્તુત છે જ, ઉપરાંત મન થાય તો આ એક બીજી લિન્ક જેમાં પિયુષ દવેનો સ્વર છે અને સંગીત છે ભરત પટેલનું
3.5.21
કાવ્ય : સ્નેહી પરમાર * સ્વરકાર : હેમંત ચૌહાણ સ્વર : મયૂર ચૌહાણ
***
કાજલ સતાણી “મીરાં”
03-05-2021
માણસાઇની સાચી મીરાત સમી ..મનને વિચારમાં મુકી દે એવી મઝાની ગઝલ..દિવસ ફળ્યો..કવિશ્રી સ્નેહી પરમારનાં સ્વમુખે બોટાદકર સાહિત્યસભા માં સાંભળેલી એ ક્ષણો જીવંત થઈ ગઈ. આ ગઝલ કવિશ્રીનું મીઠું સંભારણું બની રહ્યુ છે.
બિનીતા
03-05-2021
વાહ જોરદાર જોરદાર રચના
એટલુંજ સુંદર સ્વરાંકન
મજા મજા
દિનેશ ડોંગરે નાદાન
03-05-2021
કવિમિત્ર સ્નેહી ની આ મને ખૂબ જ ગમતી ગઝલ છે.અસ્મિતા પર્વ બાપૂ સાથે બેસીને સાંભળેલી એ વખતે એમનાં ચહેરા પરના ભાવ આજે ય યાદ છે. એમની આ ટ્રેડ માર્ક ગઝલ છે.
ડો. પરુષોત્તમ મેવાડા
03-05-2021
ખૂબ જાણીતી કવિ શ્રી સ્નેહી ની ગઝલ ફરી માણવા ની.મજા પડી.
ડો. પરુષોત્તમ મેવાડા
03-05-2021
ખૂબ જાણીતી કવિ શ્રી સ્નેહી ની ગઝલ ફરી માણવા ની.મજા પડી.
સુરેશ ‘ચંદ્ર’ રાવલ
03-05-2021
સ્નેહી પરમાર બહું સુંદર અને સહજ રીતે સભામાં બેસવાની પાત્રતા વિષેની વાત પોતાની ગઝલમાં લઈને આવ્યા છે..અગાઉ “અસ્મિતા પર્વ ” માં આ ગઝલ પહેલી વખત માણવાની બહું મજા આવી હતી… લતાબેન આપને પણ ખૂબ અભિનંદન આવી સુંદર ગઝલ આપ લઈ આવ્યાં ….
શૈલેષભાઈ પંડયા
03-05-2021
વાહ.. ખરેખર સભા પાત્રતા કેળવવાની સર્વોચ્ચ ગઝલ… સ સ સ્વરાંકન..
vipul
03-05-2021
Adbhut.
