કોઈને આમ સમજાયો, કોઈને તેમ સમજાયો,
અઢી અક્ષર હતા તોયે ન પૂરો પ્રેમ સમજાયો.
જીવનનો દાખલો કોનો હશે સાચો, ખબર ક્યાં છે ?
ગણી નાખ્યો હતો સૌએ સ્વયંને જેમ સમજાયો.
સદીઓથી ખીલા ફરતે હજી ચક્કર લગાવો છો,
ભલા માણસ ગતિનો અર્થ તમને એમ સમજાયો ?
તમે આનંદને જોતા રહ્યા અવસાદની આંખે,
અમંગળ પત્ર વાંચ્યો મેં તો કુશળક્ષેમ સમજાયો.
યુગોની યાતનામાંથી નીકળતાં વાર ના લાગી,
એ ખડકી ખોલવાનો ભેદ અમને કેમ સમજાયો !
– હરજીવન દાફડા
એક યુનિક ગઝલ. ઊંડાણભરી ગઝલ. એક એક શેરમાં ગજબનું ચિંતન. ઉપદેશકો પાસેથી સાંભળ્યુ હોય કે માણસનું જીવન ખીલે બાંધેલા જીવની જેમ પસાર થઈ જાય છે પણ એ કદી સ્પર્શયું છે ખરું ! ના. અને આ ત્રીજો શેર જુઓ ! બાકી જીવનનો દાખલો તો સમજતાં સમજતાં આ જીવન પૂરું થઈ જાય છે મોટાભાગે ! વાહ કવિ !!
16.8.21
***
Sarla Sutaria
21-08-2021
એક એક શેરમાં નિષ્પન્ન થતો ગહન અર્થ. ખરેખરી અર્થ ગંભીર ગઝલ
આભાર આપનો
17-08-2021
આભાર પ્રફુલ્લભાઈ, વિવેકભાઈ, છબીલભાઈ, મેવાડાજી અને સુરેશભાઇ.
‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનાર સૌનો આભાર.
પ્રફુલ્લ પંડ્યા
17-08-2021
“યુગોની યાતનામાંથી નીકળતાં વાર ના લાગી,
એ ખડકી ખોલવાનો ભેદ અમને કેમ સમજાયો !
આખી યે ગઝલ એટલી સુંદર જાણે કે જીવનનો નિચોડ અને ચિંતનની પ્રસાદી ! કવિશ્રી હરજીવન દાફડાને હાર્દિક અભિનંદન !
પ્રફુલ્લ પંડ્યા
Vivek Tailor
17-08-2021
મજાની ગઝલ
છબીલભાઈ ત્રિવેદી
16-08-2021
કવિ સુમિત્રા નંદન પંત ના હસ્તાક્ષર મા સરસ કાવ્ય ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન
છબીલભાઈ ત્રિવેદી
16-08-2021
આજનુ હરજીવન દાફડા સાહેબ ની ગઝલ ખુબજ ઉમદા બધાજ શેર ખુબ ઉંચી કોટી ના વાહ અદભુત અમારે રામાયણ મા અેક ચોપાઈ છે, જાકી રહી ભાવના જેસી પ્રભુ મુરતી દેખી તીન જેસી,,, જેવી જેની ભાવના હોય તેવી પ્રભુ ની મૂર્તિ દેખાય અેમ જીવન પ્રેમ કયા પુરો સમજાય છે આભાર લતાબેન
ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ
16-08-2021
ગઝલ નો એકે એક શેર મનનીય છે,
સુરેશ ‘ચંદ્ર’રાવલ
16-08-2021
માફ કરજો ‘પ્રેમ’ જો મુખર થયો ના હોત તો સારૂં…
સુરેશ ‘ચંદ્ર’ રાવલ
16-08-2021
જીવનનો દાખલો છેવટ સુધી સમજાતો નથી… નથી તેનો જવાબ મળતો ,અંત સમય સુધી…!
બધાં જ શેર સરસ છે..પણ પહેલાં શેરમાં ‘પ્રેમ’ને મુખર કરી દીધો છે…અઢી અક્ષર પછી પ્રેમ મુખર રહ્યો હોત તો…?
ખૂબ ગમી….
લતાબેન આપનું વિવેચન પણ ખૂબ સરસ…
