

🥀🥀
*તારા તરફનો પ્રેમ*
કંઈક અંદર અવ્યક્ત જેમ હશે,
એ જ તારા તરફનો પ્રેમ હશે.
હું નથી, તું નથી ને શબ્દ નથી,
તો પછી કોણ હેમખેમ હશે ?
તનબદન સ્થિર કરીને બેઠેલો,
શખ્સ પોતે જ આમતેમ હશે.
લાખ વિઘ્નોની પાર નીકળી તે,
ચાલવાની અદમ્ય નેમ હશે.
સત્ય ક્યારેક, ક્યાંક પ્રગટે છે,
સર્વવ્યાપી તો માત્ર વહેમ હશે.
~ હરજીવન દાફડા
🥀🥀
*તારો અભાવ*
મધ્યદરિયે તું આવ, શણગારું,
એક તૂટેલી નાવ શણગારું.
લે, ઉડાડું હસી-ખુશીનો રંગ,
પૂર્વનો અણબનાવ શણગારું.
તું જ ગમતી રહે મને કાયમ,
એમ મારો સ્વભાવ શણગારું.
પ્રાણ પૂરીને દીવા પ્રગટાવું,
તારી હર આવ – જાવ શણગારું.
કામ લાગે નહીં કલા કોઈ,
કેમ તારો અભાવ શણગારું !
~ હરજીવન દાફડા
*સર્વસ્વમાં કવિતા*
મન ન માને છે કોઈ બાબતમાં,
ક્યાંક આવી ગયું છે આફતમાં.
તું જ અંદર-બહાર રહે ગમતી,
કોઈ આવી ન જાય ચાહતમાં.
તું નથી તો બતાવ કે ત્યાં – ત્યાં,
અન્ય છે કોણ આ રિયાસતમાં.
જ્યાં અને ત્યાં તને જ નીરખવું,
બસ, વણાઈ ગયું છે આદતમાં.
હોય મારા સર્વસ્વમાં કવિતા,
મોત પણ હોય એ જ હાલતમાં.
~ હરજીવન દાફડા
*શ્વાસ પર તારા શ્વાસ*
આયખામાં સુવાસ રાખ જરા,
તું મને આસપાસ રાખ જરા.
વાત બારાખડી પછીની કહું,
શ્વાસ પર તારા શ્વાસ રાખ જરા.
બેઉ જણની ન થાય બદનામી,
મુખ ઉપર તું લિબાસ રાખ જરા.
એક આંગળ છું દૂર તારાથી,
વેગવંતી તપાસ રાખ જરા.
ઓળખું કેમ હું તમસ વચ્ચે,
આજુબાજુ ઉજાસ રાખ જરા.
~ હરજીવન દાફડા
પૂરી 83 ગઝલનો સંગ્રહ લઈને આવતા કવિ હરજીવન દાફડાના ગઝલસંગ્રહ ‘સહેજ પોતાની તરફ’નું ‘કાવ્યવિશ્વ’માં સ્વાગત છે.
*આરંભે એ લખે છે. ‘વિશ્વને પ્રેમનું પટોળું કર / ને એની રમ્ય કર કિનાર મને.’ વિશ્વભર માટે ઉદાત્ત સ્નેહની ભાવના અહીં વર્તાય છે.
* આ શબ્દો કવિને પ્રિય લાગે છે કેમ કે બીજી એક ગઝલમાં કવિ લખે છે, ‘એક છે ભવ્ય, રમ્ય બીજું છે / તું શું પહેલું વિચાર બેમાંથી !’
* પોઝીટીવીટીની સીમા જુઓ ‘અજવાળું અજવાળું ભાળ્યું / રજભર ક્યાંયે રાત ન આવી.’ * અને ચિંતન ‘બે ઘડી થઈ ગયો જો દૃષ્ટા તો / ના રહી મોજ, ના વિલાપ રહ્યો.’ *
*તો આ દિવાળી પર કોતરી લેવા જેવા શેર ‘ઘર સફાઈ થાય છે વરસો વરસ / ઓણ આંતરમાંય ધૂ-જાળાં કરું’ અને ‘કોઇની જાતિ લખાતી હોય ના / એક-બે એવી શાળા કરું.’ સલામ છે કવિને.
* કવિના શબ્દો કેવી સુગંધ વેરે છે. ‘પ્રેમ ચડ્યો પસલીભર જેને / વાણીમાં વરતાઈ જવાના.’
*કવિને ગઝલ પર સારી ફાવટ છે. પોતીકી શૈલી અને પોતીકું ભાવવિશ્વ એ કવિની મૂડી છે.
આ તો મને ગમેલા શેર. બાકી આપ સૌ માટે અનેક વિષયોનો આ સંગ્રહમાં સમાવેશ છે.
‘સહેજ પોતાની તરફ’ * હરજીવન દાફડા * ZCAD 2024
ખુબ સરસ કાવ્યો ખુબ ગમ્યા સ્વાગત છે કવિશ્રી ના કાવ્ય સંગ્રહ નુ કાવ્ય વિશ્વ મા
આ. લતાબહેન,
મારા ગઝલસંગ્રહ ‘સહેજ પોતાની તરફ’ ની ‘કાવ્યવિશ્વ’ માં ખૂબ સરસ નોંધ લેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
આનંદ આનંદ ભાઈ.
મજાની રચનાઓ તો છ જ સાથે સાથે આસ્વાદ પણ સરસ છે. ધન્યવાદ.
વાહ, સરસ ખફીફ છંદનો ઉપયોગ કરી ખૂબ જ નિજી સંવેદનશીલ ગઝલો.
હરજીવનભાઇ દાફડાની ગઝલો એક વિશિષ્ટ પરિમાણ સાથે નિર્માણ થઈ છે. આ જુદા અવાજનું સ્વાગત છે.
હરજીવન દાફડાની ગઝલોમાં સહજતા, સરળતા અને સંવાદમય વાતચીતનો વૈભવ પ્રાધાન્ય ધરાવતો હોય છે. એમની અમુક રચના મનમાનસમાં ઘર કરી સ્થાયી થઇ જાય અને એ અંગે વિચારાય કે વાત થાય ત્યારે ભીતરમાંથી ઊભરતી આવતી હોય એવું પણ બને છે. ક્યારેક જીવનની વિષમતા, વિવાદ પણ તાત્વિક સ્તરે સૌને વિચારવા પ્રેરે એવી સબળ રીતે આવે છે. આધ્યાત્મિકતાના અનોખા તલસ્પર્શી જ્ઞાન – વિજ્ઞાનની ઊંડાઇ અને ઊંચાઈ સંતમહંતને પણ સ્પર્શી જાય એવી છે. આ તમામ બાબતના અનેક ઉદાહરણ એમના સંગ્રહોમાંથી તટસ્થ અને સમ્યક્ભાવી સંશોધકને અવશ્ય મળશે.
::દા. વા:::
ફરી ખૂબ ખૂબ આભાર સૌનો